• શુક્રવાર, 03 એપ્રિલ, 2026

પુરુષો કરતાં મહિલાઓ નોકરીમાં વધુ ટકાઉ

મહિલાઓનો નોકરીમાં ટકવાનો સરેરાશ સમય 10.6 મહિના, પુરુષોમાં 7.8 મહિના : રિપોર્ટમાં જૂની ધારણા ખોટી સાબિત થઈ

નવી દિલ્હી, તા. 2 : ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ, પુરુષોની તુલનાએ 36 ટકા વધુ સમય સુધી પોતાની નોકરીમાં ટકી રહે છે. એક રિપોર્ટમાં જૂની ધારણાને ખોટી સાબિત કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવતું હતું કે મહિલા જલ્દી નોકરી છોડે છે. ફિનટેક મંચ સેલેરી-સે દ્વારા કરવામાં આવેલા અભ્યાસના આંકડા 47,800થી વધારે ઈપીએફઓ રેકોર્ડના વિશ્લેષણ ઉપર આધારિત છે. જેમાં મુખ્ય રીતે શહેરી ક્ષેત્રોના નોકરિયાતને સામેલ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓનો નોકરીમાં  ટક્યા રહેવાનો સરેરાશ સમય 10.6 મહિના છે. જ્યારે પુરુષો માટે આ સમય માત્ર 7.8 મહિના છે. હકીકતમાં માત્ર 36 ટકા મહિલા જ પહેલા છ મહિનાની અંદર નોકરી છોડે છે. જ્યારે 44 ટકા પુરુષો પહેલા છ મહિનામાં જ નોકરી છોડે છે. નોકરીમાં વધારે સ્થિરતા છતાં કામ કરનારા કુલ લોકોમાં મહિલાઓની ભાગીદારી હજી પણ ખૂબ ઓછી છે.

રિપોર્ટ અનુસાર કાર્યબળમાં પ્રત્યેક 13 કર્મચારીમાંથી એક મહિલા છે. જે કુલ ઈપીએફઓ રેકોર્ડના માત્ર 7.6 ટકા છે. વિશ્લેષણ અનુસાર જે મહિલાઓ કાર્યબળમાં સામેલ થાય છે તેઓ લાંબા સમય સુધી કામ કરે છે.

જો કે વિભિન્ન ક્ષેત્રો અને ભૂમિકામાં મહિલાઓને મળતી તકમાં અસમાનતા છે. ક્ષેત્રવાર આંકડા જોવામાં આવે તો આઈટી ઉદ્યોગમાં મહિલાઓની હિસ્સેદારી 13.2 ટકા છે. જે કુલ સરેરાશ કરતા બમણી છે. શિક્ષા ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સૌથી વધારે 20.3 ટકા છે. તેનાથી વિપરિત વિનિર્માણ ક્ષેત્રમાં પુરુષોનો દબદબો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક