રિઝર્વ બેન્કનાં કડક નિર્ણયોથી 12 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો : ડોલર સામે 2 રૂપિયા જેટલો મોટો વધારો: શેરબજારને પણ સંજીવની મળી
નવી
દિલ્હી, તા.2: અભૂતપૂર્વ અવમૂલ્યન બાદ ભારતીય રૂપિયાએ આજે ડોલર સામે શાનદાર વાપસી દેખાડી
હતી અને ઈરાન યુદ્ધનાં કારણે વિક્રમી નીચલા સ્તરે સરકી ગયેલો રૂપિયો આજે અચાનક મજબૂત
બન્યો અને તેમાં છેલ્લા 12 વર્ષમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો આજે આવ્યો હતો. એક ડોલર
સામે 9પ રૂપિયા સુધી ઘસાઈ ગયેલા રૂપિયાનાં મૂલ્યમાં આજે બે રૂપિયા જેટલો તોતિંગ સુધારો
આવ્યો હતો અને 93.14 રૂપિયા આસપાસ પહોંચી ગયો હતો. જે ડિસેમ્બર 2018 બાદ એક દિવસનો
સૌથી મોટો સુધારો કે તેજી છે. જેનાં હિસાબે ધ્વસ્ત થતી શેરબજાર પણ આજે નીચલા સ્તરેથી
આજે પ્રચંડ સુધારા સાથે બંધ થઈ હતી.
આ સમગ્ર
ચિત્ર પલટાવામાં રિઝર્વ બેન્કનાં કડક નિર્ણયો મુખ્ય ભૂમિકા નિભાવી ગયા હતાં. સતત તૂટતા
રૂપિયા અને વધતી અસ્થિરતા અને મુદ્રા બજારમાં સટ્ટાને ધ્યાને રાખીને રિઝર્વ બેન્કે
એવા પગલા ભર્યા જેનાથી ટ્રેડિંગનાં સમીકરણ જ પલટાઈ ગયા.
સ્થિતિને
નિયંત્રિત કરવા માટે આરબીઆઈએ સૌથી પહેલા તો બેન્કોની ફોરેક્સ પોઝિશન ઉપર નિયંત્રણને
આકરા બનાવ્યા. જેમાં બેન્કો માટે નેટ ઓપન પોઝિશન(એનઓપી) 100 મિલિયન ડોલર સુધી સીમિત
કરી નાખી. જેના હિસાબે બેન્કોને પોતાની ડોલર પોઝિશન ઘટાડવી પડી. બજારમાં સપ્લાય વધી
અને રૂપિયામાં મજબૂતી જોવા મળી. આ ઉપરાંત આરબીઆઈએ રૂપિયાનાં ડેરિવેટિવ ટ્રેડિંગનાં
નિયમ પણ કડક કરી નાખ્યા અને બેન્કોને નોન ડિલીવરેબલ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ આપતા રોકી
દીધી. હવે માત્ર અસલી હેજિંગ માટે જ ડિલીવરેબલ કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે.
રૂપિયામાં
આજે જોવા મળેલી તોફાની તેજીએ શેરબજારને પણ સંજીવની આપી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું
હતું. સેન્સેક્સ આજે દિવસનાં આરંભે 1700 પોઈન્ટ સુધી તૂટી ગયો હતો પણ કારોબારનાં અંતે
185 પોઈન્ટનાં વધારા સાથે 73319નાં સ્તરે પહોંચી ગયો હતો. આવી જ રીતે નિફ્ટી પણ એક
તબક્કે પ00 પોઈન્ટનાં તોતિંગ ગાબડાં સાથે ધ્વસ્ત થઈ ગયો હતો પણ તેમાં ય દિવસનાં અંતે
33 પોઈન્ટનો વધારો નોંધાયો હતો અને નિફ્ટી 22713નાં સ્તરે બંધ આવ્યો હતો.