નવી દિલ્હી, તા. 2 : ઈન્ડોનેશિયાના ઉત્તરી મોલુક્કા સાગરમાં ગુરુવારે 7.6ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભયાનક ભૂકંપે ઘણી ઈમારતોને નુકસાન પહોંચાડયું હતું તેમજ સમુદ્રમાં સુનામીની લહેરો પેદા કરી હતી. અધિકારીઓ અનુસાર ભૂકંપના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
ઈન્ડોનેશિયાની
હવામાન એજન્સી અનુસાર પાંચ અલગ અલગ જગ્યાએ સુનામીની લહેરો જોવા મળી હતી. જેમાં સૌથી
ઉંચી લહેર ઉત્તરી સુલાવેસીના ઉત્તર મિનાહાસમાં જોવા મળી હતી. જેની ઉંચાઈ અંદાજીત 2.46
ફૂટની હતી. ભૂકંપ બાદ 11 આફ્ટશોક નોંધાયા હતા. જેમાંથી એકની તીવ્રતા 5.5 મેગ્નીટયુડની
હતી. ભૂકંપ બાદ હવમાન એજન્સીના પ્રમુખ ફૈસલ ફથાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું
કે શરૂઆતી મોડેલ અનુસાર સુનામીની લહેરો 0.5થી 3 મીટર ઉંચી હોવાનું અનુમાન હતું. એજન્સીએ આ દરમિયાન તમામ લોકોને
સતર્ક રહેવા અપીલ કરી હતી.
ઉત્તર
સુલાવેસી પોલીસના ડેપ્યુટી ચીફ અવી સેચિયોનોએ જાણકારી આપી હતી કે મનાડો વિસ્તારમાં
એક ઈમારત તૂટી પડી હતી. જેના કાટમાળની ચપેટમાં આવીને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
7.6ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ ફિલીપીન્સ તટથી 580 કિમી દક્ષિણમાં હતું.