• શનિવાર, 04 એપ્રિલ, 2026

સૌરાષ્ટ્રમાં ભરઉનાળે અષાઢી માહોલ : ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું

વેરાવળમાં 20 મિનિટમાં એક ઈંચ માવઠું વરસ્યું : રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ પંથકમાં વરસાદની ધબધબાટી

4 થી 6 એપ્રિલ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડશે : હવામાન વિભાગ

સતત માવઠાથી ખેડૂતો બેહાલ : ખેતીપાકને નુકસાન, સરકાર સમક્ષ સહાયની માગ ઉઠી

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.3 : સૌરાષ્ટ્રમા ભરઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ વરસ્યો છે. આજે રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાજકોટમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમોસા જેવો માહોલ સર્જાયો હતો. ઘણા વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા હતા. દરમિયાન રાજ્યના 18 તાલુકાઓમાં આજે દિવસ દરમિયાન 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે. સતત વરસાદી માવઠાના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. આ મુશ્કેલી વચ્ચે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સહાયની માગ ઉઠી છે.

વેરાવળ : આજે વ્હેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં વેરાવળ સોમનાથ શહેર પંથકના આકાશમાં મેઘગર્જના સાથે કમોસમી વરસાદ શરુ થયો હતો. 15 થી 20 મિનિટ સુધી તોફાની પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. 20 મીનીટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા રસ્તા અને શેરીઓમાં પાણી વહેતા થયા હતો, તો બફારા વચ્ચે અચાનક ખાબકેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જ્યારે તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતોમાં હતાશા અને નિરાશાનો માહોલ છવાઈ ગયો છે. પાંચ મહિનાથી મહેનત કરી તૈયાર કરેલો પાક હવે આંખ સામે બગડતો જોઈ ખેડૂતોના દિલ ભરાઈ ગયા હતા. સવની ગામના ખેડૂત જયેશભાઇ ઝાલાના જણાવ્યા મુજબ લસણના એક વિઘા પાક પાછળ અંદાજે 12 થી 15 હજાર સુધીનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિમાં પાક બગડવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.

જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ આકાશમા વરસાદી વાતાવરણ છવાયા હતા. વહેલી સવારે અમીછાટણા પડ્યા હતા. આ સિવાય જિલ્લામાં કોઈક સ્થળે હળવા ઝાપટા પડ્યાનું જાણવા મળ્યું છે.

ભાવનગર : શહેરમાં આજે ભર ઉનાળે વાતાવરણમાં ઓચિંતા પલટો આવતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે દરમિયાન સાંજે 4:30 કલાકે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આશરે 20 મિનિટ સુધી વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જામનગર: છેલ્લા બે દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં સવારે જોરદાર માવઠું વરસ્યા પછી ધીમી ધારે થોડીવાર વરસાદ ચાલુ રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ છેલ્લા બે દિવસથી હાલાર પંથકમાં વાતાવરણ પલટાયું છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, અને વાતાવરણમાં અંધારૂ છવાયું હોવાનું જોવા મળ્યું છે.

સલાયા : આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા અને ઠંડો પવન પણ ફુંકાઈ રહ્યો હતો. સવારે 8.30 વાગ્યાના આસપાસ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો જે થોડી વારમાં ફૂલ જોશથી વરસવા લાગ્યો હતો. જોતજોતામાં રસ્તો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક