બાઇક ચલાવવા બાબતે ઠપકો આપવાની સામાન્ય અદાવતમાં હત્યા કરી હતી
(ફૂલછાબ ન્યૂઝ)
બોટાદ, તા.3: બોટાદ વર્ષ 2023માં બોટાદના ઢાંકણિયા ગામે થયેલા
નવઘણભાઇ જોગરાણાના હત્યાકાંડમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો
છે. બાઇક ચલાવવા બાબતે ઠપકો આપવાની સામાન્ય અદાવતમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરનાર
6 આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી છે.
ઘટનાની વિગત મુજબ, 3 ફેબ્રુઆરી
2023ના રોજ ઇકબાલ ઉર્ફે ચકો રાઠોડ સહિતના શખસોએ નવઘણભાઇને ઘરેથી ખેંચી જઇ ગળું કાપી
હત્યા કરી હતી અને અન્ય ત્રણને ગંભીર ઇજા પહોંચાડી હતી. એસઆઈટી (જઈંઝ) દ્વારા તપાસ
કરી રજૂ કરાયેલા પુરાવા અને સ્પેશિયલ સરકારી વકીલ સી.કે. શાહની મજબૂત દલીલોને ગ્રાહ્ય
રાખી, જજ મનીષસહાય જે. પરાશરે તમામ 6 આરોપીઓને આજીવન કેદ અને પ્રત્યેકને રૂ. 50,000નો
દંડ ફટકાર્યો છે. કોર્ટે મૃતકના વારસદારોને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.