રશિયન ઉપ વડાપ્રધાનની મોદી અને જયશંકર સાથે મુલાકાત : ભારતની જરૂરિયાત પુરી કરવા રશિયા સક્ષમ હોવાનો ભરોસો
નવી
દિલ્હી, તા. 3 : પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ વચ્ચે પુરી દુનિયા ઊર્જા સંકટનો સામનો
કરી રહી છે. તેવામાં ભારતની મદદે જુનું મિત્ર રશિયા આગળ આવ્યું છે. રશિયાએ ભારતને વધુ
ગેસ અને તેલ સપ્લાય કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. રશિયાના ઉપ વડા પ્રધાન ડેનિસ માંતુરોવે
પોતે ભારત આવીને મદદનો ભરોસો આપ્યો હતો. તેમણે પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર
સાથે મુલાકાત કરી હતી અને ઊર્જા, ખાતર સહિતના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ આગળ વધારવા
મુદ્દે વાતચીત કરી હતી. આ મુલાકાત વચ્ચે અન્ય એક અહેવાલ સામે આવ્યો હતો જેમાં કહેવામાં
આવ્યું હતું કે ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડની રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે. માર્ચ
મહિનામાં ખરીદીમાં 90 ટકા સુધીનો વધારો નોંધાયો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર મુલાકાતની
જાણકારી પણ શેર કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, રશિયાના ડેપ્યુટી પીએમ સાથે
વેપાર, ખાતર, કનેક્ટિવિટી અને લોકો વચ્ચેના પરસ્પર સહયોગ અંગે વાતચીત કરવામાં આવી હતી.
જ્યારે માંતુરોવ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ સહિત ક્ષેત્રીય
અને વૈશ્વિક ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી. મુલાકાતો બાદ રશિયન દૂતાવાસે નિવેદન આપ્યું
હતું. જેમાં કહેવાયું હતું કે માંતુરોવે પુષ્ટિ કરી છે કે રશિયન કંપનીઓ પાસે ભારતીય
બજારને તેલ અને ગેસ સપ્લાઈ સતત વધારવાની ક્ષમતા
છે. રશિયા ભારતની જરૂરિયાતો પુરી કરવા માટે તૈયાર છે.