ટ્રમ્પ મોટી જંગની તૈયારીમાં? 1.5 ટ્રિલિયન ડોલરનાં રક્ષા બજેટનો પ્રસ્તાવ
વોશિંગ્ટન,તા.3:
મિડલ ઈસ્ટમાં ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાની સૈન્ય શક્તિને અધિક મજબૂત
બનાવવા તૈયારી શરૂ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2027 માટે લગભગ 1.5 ટ્રિલિયન
ડોલરનાં રક્ષા બજેટનો પ્રસ્તાવ કર્યો છે. જે અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી
મોટું રક્ષા બજેટ છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર
કરાયેલા બજેટ દસ્તાવેજો અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ શીંત માટે શક્તિની નીતિ ઉપર ચાલતા
અમેરિકાની સૈન્ય શક્તિને નવી ઊંચાઈએ લઈ જવા માંગે છે. 1.5 ટ્રિલિયન ડોલરનું આ બજેટ
ગયા વર્ષની સરખામણીએ લગભગ 40% થી 50% વધુ છે. તેનો હેતુ અમેરિકાને એવી ડ્રીમ મિલટ્રી
આપવાનો છે કે જેના સામે કોઈ પણ દુશ્મન ટક્કર લેવાની હિંમત ન કરી શકે. વ્હાઇટ હાઉસના
બજેટ દસ્તાવેજ અનુસાર આ વખતે રક્ષા ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું
છે. બજેટમાં ગોલ્ડન ડોમ જેવી અદ્યતન ડિફેન્સ સિસ્ટમ માટે ફંડ ફાળવવામાં આવ્યું છે,
જેથી અમેરિકા પોતાની સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત કરી શકે. ઉપરાંત, નવા યુદ્ધજહાજો બનાવવાનો
અને મહત્વપૂર્ણ ખનીજ ભંડારો વધારવાનો પણ ખાસ ભાર મૂકાયો છે. આ સાથે જ ટ્રમ્પ પ્રશાસને
ખર્ચમાં ઘટાડાની યોજના પણ બનાવી છે. બિનરક્ષા ક્ષેત્રના ખર્ચમાં 10 ટકા ઘટાડો કરવાનો
પ્રસ્તાવ છે. ઉપરાંત, ન્યાય વિભાગના લગભગ 30 એવા ગ્રાન્ટ પ્રોગ્રામ બંધ કરવાની યોજના
છે, જેને સરકાર ગેરજરૂરી અથવા પુનરાવર્તિત માને છે. આ બજેટ સ્પષ્ટ સંકેત આપે છે કે
અમેરિકા આવતા સમયમાં પોતાની રક્ષા ક્ષમતા વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. વિશ્વના અનેક
વિસ્તારોમાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે આ પગલું ખૂબ મહત્વપૂર્ણ
માનવામાં આવી રહ્યું છે.