ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ગણતરીનો થશે પ્રારંભ, હાઉસિંગની ગણતરી પ્રથમ તબક્કા દરમિયાન કરવામાં આવશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.3 : ગુજરાતમાં 5 એપ્રિલથી શરૂ થનારી વસ્તી ગણતરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં, જનગણના વિભાગે આ કામગીરીને મુલતવી
રાખવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. વસ્તી ગણતરીની નવી
તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયાને કારણે વસ્તી
ગણતરીના કાર્યમાં અવરોધ ન આવે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે.
સૂત્રોના
જણાવ્યા અનુસાર, એકવાર નગરપાલિકા, મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે
પૂર્ણ થઈ જાય, ત્યારબાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા વેગ પકડશે. ચૂંટણી બાદ તુરંત જ નવા
સમયપત્રક મુજબ વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા માટે જરૂરી તાલીમ
અને આયોજનની રૂપરેખા પણ તે મુજબ તૈયાર કરવામાં આવશે. જોકે, સરકારે નવી તારીખ હજી સુધી
જાહેર કરી નથી. ઉપરાંત ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી પણ આવી રહી છે. આ કારણે હવે વસ્તી
ગણતરી બાદમાં કરવામાં આવશે, જેની તારીખ સરકાર જાહેર કરશે પરંતુ જ્યારે પણ વસ્તી ગણતરી
શરૂ થશે, ત્યારે તેના પ્રથમ તબક્કા દરમિયાન ખાસ કરીને હાઉસિંગ લિસ્ટિંગની ગણતરી કરવામાં
આવશે. જેમાં મકાનોની સંખ્યા, પ્રકાર અને માળખાકીય સુવિધાઓની નોંધણી કરવામાં આવશે. આ
હાઉસિંગ ગણતરી પૂર્ણ થયા બાદ જ વ્યક્તિગત વસ્તી ગણતરીના બીજા તબક્કા તરફ આગળ વધવામાં
આવશે.
અહીં
નોંધવું ઘટે કે, વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 1 એપ્રિલ, 2026થી શરૂ થઈ ગયો છે. સરકાર
નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછશે, અને તેમના જવાબોના આધારે દેશની વસ્તી નક્કી કરવામાં
આવશે. ભારતીય ઇતિહાસમાં આ પહેલી વસ્તી ગણતરી હશે જે સંપૂર્ણપણે ડિજીટલ હશે, અને આ દ્વારા,
સરકાર ભારતીય ઘરોમાં સંબંધોની પ્રકૃતિને સમજવાનો પણ પ્રયાસ કરશે. જો કે, બંગાળ, આસામ, કર્ણાટક અને કેરળમાં હાલ ચૂંટણી હોવાથી
ત્યાં પણ વસ્તી ગણતરીનું શિડયુલ જાહેર કરાયું નથી. આવામાં હવે ગુજરાતમાં વસ્તી ગણતરીની
તારીખ મોકૂફ રખાઈ છે.