યુનોની સુરક્ષા પરિષદમાં અમેરિકાને ઝટકો : 23 વર્ષ બાદ ફરી એકવાર ચીન, રશિયા અને ફ્રાન્સ આવ્યા એકસાથે
ખાડી
દેશો સાથે મળીને બહેરીને હોર્મુઝ ખોલાવવા સૈન્ય કાર્યવાહી માટે માગી હતી મંજૂરી
નવીદિલ્હી,તા.3:
અમેરિકા અને ઈઝરાયલ સામેનાં યુદ્ધમાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરીને આખી દુનિયા
સામે ઈંધણનું સંકટ પેદા કરી દીધું છે અને આ સ્થિતિમાં બહેરીન સહિતનાં ખાડી દેશો દ્વારા
સંયુક્તરાષ્ટ્રની સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં એક પ્રસ્તાવ મૂકીને હોર્મુઝ ખોલાવવા
માટે સૈન્ય કાર્યવાહીની અનુમતી માગવામાં આવી હતી. જો કે આ પ્રસ્તાવને રશિયા, ચીન અને
ફ્રાન્સે વીટો વાપરીને અટકાવી દીધો છે.
ખાડી
દેશો સાથે મળીને બહેરીન દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્ત સામે યુએનએસસીનાં અનેક
સ્થાયી સદસ્યોએ વાંધો ઉઠાવ્યો હતો અને વિરોધ
દર્શાવ્યો હતો. આ પ્રસ્તાવમાં સદસ્ય દેશો અને બહુરાષ્ટ્રીય નૌસેના દળોને આવશ્યક તમામ
સાધનોનો ઉપયોગ કરીને હોર્મુઝ ખોલાવવા માટે મંજૂરી માગવામાં આવી હતી. જો કે રશિયા, ચીન
અને ફ્રાન્સે સ્પષ્ટ કરી દીધું છે કે, તે સૈન્યનો ઉપયોગ કરવાની અનુમતી માગતી આ દરખાસ્તનાં
પક્ષમાં નથી.
ફ્રાન્સનાં
રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ પ્રસ્તાવનાં સૈન્ય વિકલ્પને અવાસ્તવિક ઠરાવ્યો હતો અને
તેમણે એવો તર્ક આપ્યો હતો કે, આવા કોઈપણ પ્રકારનાં પ્રસ્તાવને મંજૂરી કે પછી આવી કાર્યવાહી
ઈરાની સેનાને વધુ ઉશ્કેરી શકે છે અને આનાથી ખતરો ઓર વધી શકે છે. આમ, 23 વર્ષનાં લાંબાગાળા
બાદ ફરી એકવાર રશિયા, ચીન અને ફ્રાન્સ એકસાથે આવ્યા છે. આ પહેલા 2003માં અમેરિકાનાં
એક પ્રસ્તાવને પણ ત્રણેય દેશે સાથે મળીને પછાડી દીધો હતો. આ વખતે પણ અમેરિકા સ્વાભાવિક
રીતે બહેરીનનાં પ્રસ્તાવનાં સમર્થનમાં છે પણ તેને આમાં મોટો ઝટકો લાગ્યો છે.