કડીમાં ભાજપનું 40 વર્ષનું શાસન અકબંધ : પોરબંદર તાલુકા પંચાયતની રાતીયા, ગોસા અને રોજીવાડા બેઠકો પર ભાજપ બિનહરીફ : જો કે ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત બાકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 11: રાજ્યમાં સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે મતદાન થતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ
અનેક જિલ્લાઓમાં પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ,
આપ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ન ભરતા અથવા દાવેદારી પાછી ખેંચાતા ભાજપના અનેક
ઉમેદવારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકામાં બિનહરીફ વિજેતા જાહેર થયા
છે.
આ લખાય છે ત્યાં સુધી પ્રાપ્ત
માહિતી અનુસાર, નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠક, 8 તાલુકા પંચાયતની 19 બેઠક અને ચાર
નગર પાલિકાની 32 બેઠક મળીને 52 બેઠકો પર ભાજપ બિનહરીફ જીતવા પામ્યુ છે. જે આઠ તાલુકા
પંચાયત છે તેમાં ખેડા, ગણદેવી, પાટણ, મહેમદાવાદ, નડીયાદ, પોરબંદર, ભરૂચ અને સુરત જિલ્લાના
ઓલપાડનો સમાવેશ થાય છે. તે જ રીતે જે 32 નગરપાલિકા છે તેમાં કડી, મહેમદાબાદ, ઠાસરા
અને કચ્છની નખત્રાણાનો સમાવેશ થાય છે.
ઓલપાડમાં સાયણ 1 અને 2 તાલુકા
પંચાયતમાં ભાજપ સામે કોઇ ઉમેદવાર ઊભો નહી રહેતા બિનહરીફ જીતી ગયું છે. જ્યાકે કડી નગર
પાલિકામાં 23 બેઠકો પર બિનહરીફ જાહેર થતા વિજય થયો છે. જ્યારે મહેમદાબાદ નગરપાલિકામાં
2 બેઠકો, ઠાસરમાં 5 અને કચ્છના નખત્રાણાની 2 બેઠકોનો સમાવેશ થાય છે. જોકે હજુ સુધી
આ બાબતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી
છે. કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ
નંબર 1, 3 અને 6માં તો ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી
નીતિન પટેલે આ વિજયને વધાવતા જણાવ્યું હતું કે, કડીમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન
અકબંધ છે.
પોરબંદર તાલુકા પંચાયતમાં પણ
ભાજપે મેદાન માર્યું હોવાની ચર્ચા છે. અહીં રાતીયા, ગોસા અને રોજીવાડા બેઠકો પર ભાજપના
ઉમેદવારો બિનહરીફ થયા હોવાનું મનાય છે. આ જીત સાથે ભાજપે પ્રચારમાં ભારે લીડ મેળવી
લીધી છે. જો કે, ચૂંટણીપંચે હજુ કોઈ સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી.