• રવિવાર, 12 એપ્રિલ, 2026

પોરબંદર કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી, સ્થાનિક પ્રશ્નો બનશે નિર્ણાયક મુદ્દા

સ્વચ્છતા, સફાઈ, રસ્તાઓના અધૂરાના કામોથી ત્રસ્ત મતદારોનો આકરો મિજાજ  મતદાન ઉપર અચૂક અસર કરશે

  જિજ્ઞેશ પોપટ

પોરબંદર તા.10 : પોરબંદર શહેરને નગરપાલિકાથી મનપામાં અપગ્રેડ થયા બાદ પ્રથમવાર યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે દિવસે તેજ બની રહ્યો છે. આ ચૂંટણી ખાસ કરીને અનેક કારણોસર ઐતિહાસિક માનવામાં આવી રહી છે, શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા સ્થાનિક પ્રશ્નો મતદારોના નિર્ણયને અસર કરી શકે તેવા બન્યા છે.

1000 કરોડથી વધુના

વિકાસકામો શરૂ થયા

છેલ્લા સવા વર્ષના ગાળામાં પોરબંદર શહેરમાં 1000 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામો શરૂ થયાના દાવા ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસન અને મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે. જેમાં નવું રિવરફ્રન્ટ, ચોપાટીનું આધુનિક નવીનીકરણ, આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ તેમજ શહેરને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.

પોરબંદર ટૂરિઝમ હબ

પોરબંદરથી રતનપર સુધીના આશરે આઠ કિલોમીટર લાંબા ચોપાટી બીચના વિકાસને લઈને મોટા પાયે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ યોજનામાં બીચ પર વિવિધ રાઈડ્સ, બીચ સ્પોર્ટ્સ અને પ્રવાસીઓને આકર્ષે તેવી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ પ્રકારના પ્રોજેક્ટ્સ પોરબંદરને ટુરિઝમ હબ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

રાજકીય દૃષ્ટિએ પોરબંદર

રાજકીય દૃષ્ટિએ જોવામાં આવે તો પોરબંદર જિલ્લામાં વર્ષોથી ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. સરપંચથી લઈને સાંસદ સુધીના મોટા ભાગના પદો પર ભાજપનો કબજો રહ્યો છે. અર્જુનભાઈ જેવા પ્રભાવશાળી નેતાઓ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવી પાર્ટીઓ પણ હજુ સુધી મજબૂત વિકલ્પ તરીકે ઉભરી શકી નથી.

સ્થાનિક પ્રશ્નો

શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્ન મતદારોના મૂડને પ્રભાવિત કરી શકે છે. ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા રેલવે ફાટકને 31. 5 પછી બંધ કરવાની કાર્યવાહી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી આશરે 50,000થી વધુ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. રાજિંદા અવર-જવર માટે આ ફાટક મહત્વપૂર્ણ હોવાથી લોકોમાં અસંતોષ છે. સ્થાનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે જો આ મુદ્દાનો ઉકેલ નહીં આવે તો તેઓ મતદાનથી દૂર રહી શકે છે અથવા ગઘઝઅ (ગજ્ઞક્ષય ઘર ઝવય અબજ્ઞદય) વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. માધવાણી કોલેજ સામે આવેલા સોસાયટી વિસ્તારોમાં રસ્તાઓના કામો અધૂરા રહી જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરના કામોને લઈને પણ નાગરિકોમાં અસંતોષ છે. સ્વચ્છતા મુદ્દે પણ મહાનગરપાલિકા તંત્રના દાવાઓ અને હકીકત વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત અને પૂરતી સફાઈ થતી નથી. આ ઉપરાંત પણ અનેક પ્રશ્નો મુદ્દે શહેરીજનો હાલાકી વેઠી

રહ્યાં છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક