જૂનાગઢ, તા.10 : જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રજાલક્ષી મુદા ઉઠાવેલા તેના ઉપર તંદુરસ્ત ચર્ચા કરવાને બદલે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે આ મુદ્દાઓને ઉકેલવાને બદલે શાસકોએ મ્યુ. કમિશનર તરફ ધકેલી દીધા હતા અને શાબ્દિક ટપાટપી વચ્ચે બોર્ડની બેઠક સંપન્ન થઈ હતી.
મહાપાલિકાનુ જનરલ બોર્ડ મેયર ધર્મેશભાઈ પોશિયાના
અધ્યક્ષ સ્થાનમળ્યું હતું. તેમાં એજન્ડાની આઇટમો શાસકોએ બહુમતીથી મંજૂર કરી હતી. ત્યારબાદ
વિપક્ષ દ્વારા પ્રજાલક્ષી મુદ્દા દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યા હતા. તેના ઉપર ચર્ચા હાથ
ધરાતા શાસક અને વિપક્ષ વચ્ચે ટપાટપી થઈ હતી. વિપક્ષે શાસકોને ઘેરતા આ મુદ્દા મ્યુ.
કમિશનર તરફ ધકેલી દેવાયા હતા.
વિપક્ષે
ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે મનપાના શાસકોની અણ આવડતને કારણે અધિકારીઓ ઉપર અંકુશના અભાવે
વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાતું નથી. પ્રજાજનોને માર્ગો, ભૂગર્ભ ગટર, પાણીની લાઈન
મુદ્દે પરેશાની વેઠવી પડે છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવેલા માર્ગ તૂટી ગયો છે,
આ માટે જવાબદાર કોણ ? ત્યારે અધિકારીઓએ માત્ર ગેરંટી પિરિયડમાં હોય કોન્ટ્રાક્ટરો પાસે
મરામત કરાવાશે તેઓ લુલ્લોબચાવો કર્યો હતો.
આ અંગે
શાસક પક્ષના નેતા મનન અભણીએ જણાવ્યું કે વિપક્ષને આક્ષેપો કરવાની ટેવ છે, પરંતુ મનપા
તંત્ર યોગ્ય રીતે કામ કરે છે. જર્જરિત ઇમારતો અંગે કાર્યવાહી હાથ ધરવામા આવી છે પરંતુ
વિપક્ષને આ કામગીરી દેખાતી ન હોય તેમ આક્ષેપો કરે છે જ્યારે વિપક્ષી નેતા લલિત પણસારાએ
જણાવ્યું હતું કે જૂનાગઢમાં 25થી 30 કિલોમીટરના માર્ગો ખોદી નખાયેલા છે, જોષીપરા ઓવર
બ્રિજને કારણે લોકોને રસ્તાની મુશ્કેલી પડી
રહી છે. તેના ઉકેલની ચર્ચા કરવાને બદલે શાસકોએ આ પ્રશ્ન કમિશનર તરફ ધકેલી પોતાની વહીવટી
નિષ્ફળતા પુરવાર કરી છે.
જુનાગઢ
મહાનગરના માર્ગો ખાડા નગરીમાં ફેરવાયા છે ત્યારે શહેરના ટ્રસ્ટી એવા કોર્પોરેટરો તેના
ઉપર ચર્ચા કરી વ્યવહારુ ઉકેલ શોધવાને બદલે જનરલ બોર્ડમાં રાજ રમતનો ખેલ દર્શાવ્યો હતો
અને પ્રજાના પ્રશ્નો ને કોરાણે મૂકી આક્ષેપની ઝડી વરસાવી હતી.