• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

અમરેલી નગરપાલિકામાં અનોખો ચૂંટણી જંગ દેરાણી-જેઠાણી અને દિયર-ભાભી વચ્ચે ટક્કર

વોર્ડ નં.9માં જેઠાણી ભાજપમાંથી, દેરાણી કોંગ્રેસમાંથી તથા વોર્ડ નં.11માં દિયર આમ આદમી પાર્ટી જ્યારે ભાભી ભાજપમાંથી ચૂંટણી લડશે

અમરેલી, તા.12 : અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે અનોખો અને ચર્ચાસ્પદ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. પાલિકાના વોર્ડ નં.11માં દિયર અને ભાભી વચ્ચે તથા વોર્ડ નં.9માં એક જ પરિવારની દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી ટક્કર સર્જાતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. સ્થાનિક સ્તરે આ ચૂંટણી જંગ ખાસ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે પરિવારજનો વચ્ચેની આ રાજકીય ટક્કર અમરેલી નગરપાલિકાના ઇતિહાસમાં દુર્લભ માનવામાં આવે છે. બન્ને ઉમેદવાર પોતાના-પોતાના પક્ષના સમર્થન સાથે જીત માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે.

અમરેલી નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ખાસ કરીને વોર્ડ નં.9માં એક અનોખી રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં દેરાણી અને જેઠાણી આમને સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસે દેરાણી કાજલબેન સોલંકીને ટિકિટ આપી છે. બન્ને ઉમેદવારોએ વિધિવત્ રીતે ઉમેદવારી પત્ર દાખલ કર્યા છે. એક જ પરિવારની બે મહિલા વચ્ચે ચૂંટણી જંગ સર્જાતા આ વોર્ડમાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. 

વોર્ડ નં.11માં દિયર અને ભાભી વચ્ચે ચૂંટણી અંગે સીધી ટક્કર જ સર્જાઈ છે. આ વોર્ડમાં દિયર ભાવેશ ચાવડાએ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમની ભાભી સંગીતાબેન ચાવડાને ભાજપ પાર્ટીએ ટિકિટ આપતા તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. એક જ પરિવારના બે સભ્ય હવે અલગ-અલગ પક્ષમાંથી સામસામે લડી રહ્યા હોવાથી મતદારોમાં પણ ભારે રસ જોવા મળી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક