• શુક્રવાર, 17 એપ્રિલ, 2026

યુધ્ધ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ગુજરાતના માછીમારોની સુરક્ષિત રીતે વતન વાપસી કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલન અને વલસાડના સાંસદના પ્રયાસોથી સફળતા મળી

રાજકોટ, તા. 12: ઈરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુધ્ધના તણાવપૂર્ણ માહોલ વચ્ચે ઈરાનમાં ફસાયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારોને સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે. ઘણા સમયથી ઈરાનમાં ફસાયેલા માછીમારોની ઘર વાપસીને લઈને તેમના પરિવારજનોમાં ચિંતા પ્રવર્તતી હતી. માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા રાહતની લાગણી જોવા મળી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ અને નવસારી પંથકમાંથી કેટલાક માછીમારો રોજગારી માટે ઈરાન ગયા બાદ ત્યાં અચાનક સર્જાયેલી સંકટજનક પરિસ્થિતિને કારણે  ફસાઈ ગયા હતા. પરિસ્થિતિ ગંભીર બનતા તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી અને તેમણે સાંસદ ધવલ પટેલને રજૂઆત કરી હતી.

પરિવારજનોની રજૂઆત મળતાં જ સાંસદ ધવલ પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેમણે કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરે સતત સંપર્ક સાધીને રાજદ્વારી માધ્યમથી માછીમારોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી હતી.

આ પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. આ સહયોગના પરિણામે ઈરાનમાં ફસાયેલા તમામ માછીમારોને સુરક્ષિત રીતે ભારત પરત લાવી શકાયા છે.

માછીમારો સુરક્ષિત રીતે ઘરે પરત ફરતા તેમના પરિવારોમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. મુશ્કેલ સમયમાં સરકાર અને સાંસદે આપેલા સહકાર બદલ પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક