રાજકોટમાં સૌથી વધુ 21,500 ઉમેદવારે 74 કેન્દ્રના 719 વર્ગખંડમાં પરીક્ષા આપી
રાજકોટ, તા.19 : ગુજરાત પોલીસ
ભરતી બોર્ડ દ્વારા પીએસઆઇ કેડરની 858 જગ્યા માટે લેવામાં આવેલી લેખિત પરીક્ષા આજે રાજ્યના
ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સફળતાપૂર્વક યોજાઈ હતી. આ પરીક્ષા
માટે કુલ 2.47 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો, જેમાંથી 1,10,680 ઉમેદવાર
લેખિત પરીક્ષા માટે પાત્ર બન્યા હતા. પરીક્ષા કુલ 371 શાળામાં યોજાઈ હતી અને સમગ્ર
પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જાળવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા
માટે 4000 પોલીસ કર્મચારીઓ અને 8000 શિક્ષણ વિભાગના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા
હતા. દરેક પરીક્ષા કેન્દ્ર પર પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓને નિરીક્ષણ માટે મૂકવામાં
આવ્યા હતા. ઉપરાંત બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી, જીપીએસ ટ્રાકિંગ
અને સીસીટીવી મોનિટારિંગ જેવી આધુનિક વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા
રાજ્યમાં ચાલી રહેલા ચૂંટણી માહોલ વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500
ઉમેદવારે 74 કેન્દ્ર અને 719 વર્ગખંડમાં પરીક્ષા આપી હતી. ઉમેદવારોનું બાયોમેટ્રિક
ચાકિંગ અને કડક ફ્રિસ્કિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોમાં ભારે ઉત્સાહ
જોવા મળ્યો અને પરીક્ષા કેન્દ્રો બહાર સવારથી જ ભીડ જોવા મળી હતી. પરીક્ષા બાદ પોતાના
ભવિષ્ય અંગે આશાવાદ વ્યક્ત કરતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે, બાળપણથી પોલીસ બનવાનું
સપનું હતું અને લાંબી તૈયારી બાદ તેઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ઘણા ઉમેદવારો પહેલેથી
જ એલઆરડીમાં પસંદ થઈ ચૂક્યા છે અને હવે પીએસઆઈ બનવાનું લક્ષ્ય ધરાવે છે.