ઘરે રસોઈ કરવા આવતી મહિલાના પતિએ પાંચ વર્ષમાં અલગ અલગ 23 જેટલી પ્રોપર્ટીમાં રોકાણના બહાને ઠગાઈ આચરી
ગોંડલ, તા.19 : ગોંડલની બેન્ક
સોસાયટીમાં રહેતા 88 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ દયાળજીભાઈ દેવરાજભાઈ મકવાણાને મિલકતોમાં
રોકાણ કરી નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી રાજકોટના એક શખસે રૂ. 1,56,65,000 પડાવી લીધા
હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધે ગોંડલ બી-ડિવિઝન પોલીસ
મથકમાં રાજકોટના રાજેશભાઈ સુરેશચંદ્ર શાહ નામના શખસ વિરુદ્ધ છેતરાપિંડીની ફરિયાદ નોંધાવી
છે. ઘટનાની વિગત મુજબ, આરોપી રાજેશ શાહ અગાઉ વૃદ્ધનાં ઘરે રસોઈ બનાવવા આવતી મહિલાનો
પતિ હોવાથી પરિચયમાં આવ્યો હતો. તેણે પોતાને મોટા મંત્રીઓ સાથે સીધા સંબંધો હોવાનું
જણાવી વૃદ્ધને વિશ્વાસમાં લીધા હતા. રાજેશભાઈએ લાલચ આપી હતી કે મિલકતોમાં રોકાણ કરવાથી
મંત્રીઓ મારફત ત્રણ-ચાર વર્ષમાં રકમ ડબલ થઈ જશે. આ લાલચમાં આવી વૃદ્ધે પોતાની આજીવન
કમાણી, પીએફ અને પ્લોટ વેચાણની અંદાજે દોઢ કરોડથી વધુની રકમ વર્ષ 2018થી 2022 દરમિયાન
અલગ-અલગ 23 મિલકતોમાં રોકાણ કરવા માટે આરોપીને આપી હતી.
છેતરાપિંડી આચરવા માટે આરોપીએ
વૃદ્ધનો એન્ડ્રોઇડ ફોન બંધ કરાવી સાદો મોબાઇલ અપાવ્યો હતો જેથી કોઈ લોકેશન ટ્રેક ન
થઈ શકે. લાંબો સમય વિતવા છતાં જ્યારે વૃદ્ધે રોકાણના દસ્તાવેજો અથવા નાણાં પરત માગ્યા
ત્યારે આરોપીએ હાથ ઊંચા કરી દઈ પૈસા આપવાની મનાઈ કરી દીધી હતી. અંતે છેતરાયા હોવાનો
અહેસાસ થતાં દયાળજીભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી અને બી.એન.એસ.એસ.ની વિવિધ
કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.