• સોમવાર, 20 એપ્રિલ, 2026

ખેડૂતોમાં આશા : અખાત્રીજના પવન પરથી ચોમાસું સામાન્યથી મધ્યમ રહેવાના સંકેત વહેલી સવારના વાયવ્યના પવનથી વાવણી લાયક વરસાદ વહેલો થવાની શક્યતા

નૈઋઍત્ય દિશાના પવનથી ચોમાસાના અંતિમ ભાગમાં વરસાદ અંગે ચિંતા

બગસરા, તા.19 : બગસરા વિસ્તારમાં અખાત્રીજના દિવસે વહેલી સવારે પવનની દિશાઓને આધારે ચોમાસા અંગેના પરંપરાગત અનુમાન કરવામાં આવ્યા હતા. વર્ષોથી ખેડૂતો અને અભ્યાસુઓ અખાત્રીજના દિવસે પવનની ગતિ અને દિશાને મહત્વપૂર્ણ માનતા આવ્યા છે. આ વર્ષે પણ વહેલી સવારે પવનના ફેરફારોને આધારે ચોમાસું મધ્યમ રહેવાના સંકેતો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.

વહેલી સવારે લગભગ 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન પવન મુખ્યત્વે આથમણી દિશામાંથી વહેતો રહ્યો હતો. તેને પરંપરાગત રીતે ‘વનરાજી ખીલી ઊઠે’ જેવા શુભ સંકેત તરીકે ગણવામાં આવે છે. ત્યારબાદ પવન પશ્ચિમથી પૂર્વ તરફ બદલાતો જોવા મળ્યો હતો. આ સાથે વાયવ્ય દિશામાંથી પણ પવનની ફણગીઓ નોંધાઈ હતી, જેને કારણે અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વહેલો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સવારે પાંચ વાગ્યાની આસપાસ નૈઋઍત્ય દિશામાંથી પણ પવનના ઝોકા જોવા મળ્યા હતા. આ સ્થિતિને કેટલાક અભ્યાસુઓ ચોમાસાના અંત ભાગમાં વરસાદ ખેંચાવાની અથવા ખંડવૃષ્ટિની સંભાવના સાથે જોડીને જોતા છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા અનુસાર, હોળીની જાળ અને ચૈત્રી દનૈયા જેવા પરંપરાગત અણસાર પણ આ વર્ષે મધ્યમ ચોમાસાની તરફેણ કરે છે. કુલ મળીને ખેડૂતોમાં એવી આશા છે કે આ વર્ષે વરસાદ સંતુલિત રહેશે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થશે. ધરતીપુત્રો માટે આ અનુમાન મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ચોમાસાની શરૂઆતથી જ ખેતીની આયોજન પ્રક્રિયા શરૂ થાય છે. હાલના સંકેતો મુજબ પાક અને પાણીની સ્થિતિ સામાન્યથી સારી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક