• રવિવાર, 19 એપ્રિલ, 2026

ગુજરાત પર ભરઉનાળે માવઠાની ઘાત

સાવધાન : આજથી વાતાવરણ પલટાશે આગામી 72 કલાકમાં વરસાદ ખાબકશે

ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.18 : ગુજરાતમાં ભરઉનાળાની વચ્ચે હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં 19 થી 21 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી જાહેર કરી છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ બની શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. તેના પરિણામે વાદળછાયું વાતાવરણ સાથે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વધુ છે. ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના મહીસાગર, દાહોદ, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગે લોકોને આકરી ગરમી અને વરસાદ એમ બેવડી ઋતુ માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને બીજી તરફ કમોસમી વરસાદની આગાહી થતા સામાન્ય જનતા સહિત ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અચાનક માવઠું ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને પાક કાપણીના સમયે આવી પરિસ્થિતિ નુકસાનકારક સાબિત થઈ શકે છે. બીજી તરફ, સામાન્ય જનતાને તાપમાનમાં ઘટાડાને કારણે ગરમીમાંથી થોડી રાહત મળશે. હવામાન વિભાગે લોકોને વીજળી પડવાની શક્યતા વચ્ચે ખુલ્લા મેદાનોમાં જવાનું ટાળવા અપીલ કરી છે.

આ જિલ્લાઓમાં માવઠાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.જ્યારે 20 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.આ સાથે 21 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની આગાહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક