(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,
તા.18 : ઇરાનમાં યુદ્ધ થાય છેક મલેશિયામાં
પામતેલના ભાવ સળગી ઉઠે અને એની પાછળ બધા ખાદ્યતેલની મોંઘવારી ગુજરાતના લોકોને ભોગવવી
પડે એવો ઘાટ અત્યારે સર્જાયો છે. ખાદ્યતેલ જ કેમ અત્યારે જે ચીજોમા ભાવવધારો છે તે
ઇરાનની પરોક્ષ અસર છે. જોકે ખાદ્યતેલ લોકોને દૈનિક બજેટ પર અસર કરતો હોય એટલે તેના
ભાવ કાબૂમાં રહે એ જરૂરી છે. જોકે યુધ્ધના સટ્ટા પર ઉંચે ચડેલા ખાદ્યતેલ હવે તૂટવાનું
શરૂ થયું છે. બે દિવસમાં સીંગતેલ, કપાસિયા તેલ, પામતેલ, સૂર્યમુખી અને મકાઇ તેલ બધામાં
વળતા પાણી છે.
ખાદ્યતેલ
તૂટવાનું કારણ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખૂલશે તે છે. જોકે શનિવારે ઇરાને ફરીથી તે બંધ
કરી દેવા ધમકીઓ ઉચ્ચારી હોવાથી હજુ ખાદ્યતેલની બજારને કઇ દિશામાં જવું તે નક્કી થતું
નથી. છતાં અત્યારે ઉંચા મથાળેથી ભાવ ઘટયા છે.
સીંગતેલમાં
ડબે બે દિવસમાં રૂ. 70 ઘટીને રૂ. 2825-2875 થઇ ગયા છે. કપાસિયા તેલમાં શનિવારે એક જ
દિવસમાં રૂ. 30 ઘટી જતા રૂ.2520-2550 થઇ ગયા છે. મહત્વની બાબત એ છેકે સીંગતેલ મગફળીના
વ્યાપક પુરવઠાને લીધે 3 હજારના મથાળેથી ઘટતું જાય છે. બીજી તરફ સટ્ટાકિય રીતે વધતા
પામતેલને લીધે ઘરેલુ બજારમાં કપાસિયા તેલ મોંઘું થઇ જતા બન્ને વચ્ચે ગાળો ફક્ત રૂ.
325નો રહ્યો છે. સામાન્ય સંજોગમાં રૂ. 500-600નો તફાવત ચાલતો હોય છે.
પામતેલમાં
બે દિવસમાં રૂ. 120 નીકળી જતા રૂ. 2250-2255 થઇ ગયા છે. સીંગતેલ કરતા પામતેલ લઘુત્તમ
રૂ. 1000 જેવું નીચું રહેતું હોય છે પરંતુ અત્યારે રૂ. 620નો ફરક છે. સૂર્યમુખી તેલમાં
રૂ. 30નો ઘટાડો બે દિવસમાં થતા રૂ.2510-2530 (15 લીટર)ના થઇ ગયા છે. જ્યારે મકાઇ તેલમાં
રૂ. 40 ઘટી જતા રૂ. 2200-2220 (15 લીટર) રહ્યા છે.
પામતેલના
ભાવમાં યુધ્ધના કારણે છેલ્લાં એક મહિનામાં જોરદાર તેજી થઇ ગયા પછી ભાવ તૂટી રહ્યા છે.
આમ આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટો વિખાય રહ્યો હોવાથી હવે સ્થાનિકમાં પણ આયાતકારો અને બ્રાન્ડવાળા
ભાવ ઘટાડવા લાગ્યા છે. આવતા સપ્તાહે જો હોર્મુઝ સ્ટ્રેટ સંપુર્ણ ખૂલી જાય તો તમામ તેલના
ભાવમાં વ્યાપક કડાકા જોવા મળશે.