10 કિલોના બોક્સનો ભાવ રૂ. 450-1250 : સૌરાષ્ટ્રભરમાંથી કેરી ખરીદવા વેપારીઓ ઉમટયા
સરદારસિંહ ચૌહાણ
તાલાલા ગીર, તા.19 : ઉનાળો આવતા
જ જેની કાગડોળે રાહ જોવાતી હોય તે દેશ-વિદેશમાં પ્રખ્યાત ગીરની કેસર કરીની સીઝનનો પ્રારંભ
થઈ ગયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં રવિવારથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે.
જેમાં પ્રથમ દિવસે કેરીના 10 કિલોના 10,400 બોક્સની આવક થઈ હતી. જથ્થાબંધ વેપારીઓએ
પ્રથમ બોક્સ ગૌમાતાના લાભાર્થે હરાજી કરી વેચાણનો શુભારંભ કર્યો હતો. ઉત્તમ ગુણવત્તા
ધરાવતી કેરીના બોક્સનું વેચાણ રૂ.1250માં થયું હતું જ્યારે નબળી કેરીના ભાવ રૂ.450
હતા. તાલાલા યાર્ડમાં ગત વર્ષે પ્રથમ દિવસે 10 કિ.ગ્રા.ના 14,500 બોક્સની આવક થઈ હતી
અને સારી કેસર કેરીના બોકસનું રૂ.1500માં વેચાણ થયું હતું. આ વર્ષે બોક્સની આવક તથા
ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેસર કેરીનો પાક ગત વર્ષની સરખામણીએ ઓછો થશે તેમજ કેરીનો
પાક પાછોતરો વધુ છે તેમ પ્રથમ દિવસે કેરી વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું. પ્રથમ
દિવસે તાલાલા યાર્ડમાં કેસર કેરી ખરીદવા સૌરાષ્ટ્રભરમાંથી કેરી તથા ફ્રુટના વેપારીઓ
મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર
કેરીની હરાજીના પ્રારંભ પ્રસંગે યાર્ડના ચેરમેન સંજય શિંગાળા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
અમિત ઉનડકટ, જિલ્લા સહકારી બેન્કના ડિરેક્ટર ભુપત હિરપરા, કિસાન અગ્રણી મહેન્દ્ર પિઠિયા
અને ખેડૂત અગ્રણીઓએ ઉપસ્થિત રહી કેસર કેરીની નવી સિઝનને ઉમળકાભેર વધાવી હતી. યાર્ડના
સેક્રેટરી રમેશભાઈ ડાંડે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.