પોરબંદર, તા.21 : ગાંધીની જન્મભૂમિ પોરબંદર એ એકતાની ભૂમિ છે અને એ જ ભૂમિ ઉપર સોયથી માંડીને શિપનું સર્જન કરનાર સમાજના સાચા શિલ્પી એવા વિશ્વકર્માઓનું ભારતના ઇતિહાસનું પહેલું વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજવામાં આવતા 5000થી વધુ લોકો એકત્ર થયા હતા. જગદીશ વિશ્વકર્માએ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનનાં નિર્માણની જાહેરાત કરતા જણાવ્યું કે આ સંસ્થા દ્વારા સમાજની એકતા વધુ મજબૂત બનશે. દર મહિને દેશનાં અલગ-અલગ શહેરોમાં આવા સંમેલનો યોજવાની અપીલ પણ તેમણે કરી. વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા 300 કરોડના ખર્ચે સ્કિલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી, જે યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ આપશે.
પોરબંદરના
યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરનાં નેતૃત્વમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમુદ્ર
કિનારે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહ, એકતા અને ગૌરવનો અનોખો માહોલ સર્જાયો હતો.
વિશ્વકર્મા સમાજના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સ્કીલ યુનિવર્સિટીના
નિર્માણ માટે કાર્યરત બનેલા વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરે
એક કરોડ જેવી માતબર રકમ અર્પણ કરી હતી.
સાંસદ
અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, વિશ્વકર્મા સમાજ સદીઓથી
સમાજનું નિર્માણ કરતો આવ્યો છે. લુહાર હોય, સુથાર હોય, સોની હોય કે પ્રજાપતિ દરેક વિશ્વકર્મા
જ છે. મંદિરોમાં ભગવાનને આકાર આપતો સમાજ જો કોઈ હોય તો તે વિશ્વકર્મા સમાજ છે.
મંત્રી
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વિશ્વકર્મા સમાજ દરેક નિર્માણના પાયાથી ટોચ સુધી મહત્ત્વપૂર્ણ
ભૂમિકા ભજવે છે. નવી ટેક્નોલોજીના યુગમાં યુવાનો વધુ સ્માર્ટ બની રહ્યા છે કેતન ગજ્જર
જેવા યુવાનોને રોલ મોડલ ગણાવ્યા હતા.