-કોંગ્રેસે લોકસભા સ્પીકરને સોંપ્યો પત્ર : સીતારામનના પતિ સહિત 700 સાક્ષરની ચૂંટણીપંચને ફરિયાદ
નવી
દિલ્હી, તા. 21 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલાં રાષ્ટ્રજોગ સંબોધન મામલે
એક તરફ 700 જેટલા પૂર્વ અમલદારો, શિક્ષણવિદો્, કાર્યકરો અને પત્રકારો દ્વારા ચૂંટણીપંચને
પત્ર લખી વિરોધ વ્યક્ત કરાયા વચ્ચે કોંગ્રેસે લોકસભામાં પીએમ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ
નોટિસ રજૂ કરી છે.
કોંગ્રેસના
સાંસદ કે. સી. વેણુગોપાલે લોકસભા સ્પીકર ઓમ બિરલા સમક્ષ વડાપ્રધાન વિરુદ્ધ વિશેષાધિકાર
ભંગની નોટિસ આપતાં આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાને 18 એપ્રિલના તેમનાં રાષ્ટ્રજોગ
સંબોધનમાં લોકસભાના સભ્યો વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો
કે, તે સંસદની ગરિમા અને સાંસદોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
ઉલ્લેખનીય
છે કે, વડાપ્રધાન મોદીનું આ સંબોધન એ સમયે થયું હતું, જ્યારે લોકસભામાં બંધારણ (131મો
સુધારો) ખરડો-2026 પસાર થઇ શક્યો ન હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, આ ભાષણમાં
વડાપ્રધાને વિપક્ષી સંસદસભ્યોના મતદાન અને ઇરાદા વિશે સીધી ટિપ્પણી કરી હતી.
પોતાના
પત્રમાં વેણુગોપાલે જણાવ્યું હતું કે, સમગ્ર મામલો બેહદ ગંભીર છે કેમકે તે માત્ર કોઇ
વ્યક્તિ પર પ્રહારો નહીં, સંસદ અને લોકતંત્રની ગરિમાથી જોડાયેલો મુદ્દો છે. તેમણે લોકસભા
અધ્યક્ષ પાસે તુરંત કાર્યવાહીની માંગ કરી હતી.
ઉલ્લેખનીય
છે કે, 700થી વધુ લોકોએ પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આદર્શ આચારસંહિતા (એમસીસી)નો
સ્પષ્ટ ભંગ હોવાની ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી. આ લોકોએ ચૂંટણીપંચને તપાસ કરીને પગલાં
લેવા ઉપરાંત સુધારાત્મક ઉપાયની પણ માંગ કરી હતી.
મુખ્ય
ચૂંટણી કમિશનર (સીઇસી)ને સંબોધિત ફરિયાદમાં દાવો કરાયો હતો કે, દૂરદર્શન, સંસદ ટીવી
અને આકાશવાણી જેવાં સત્તાવાર પ્લેટફોર્મ પર પ્રસારિત આ સંબોધન આદર્શ આચારસંહિતા દરમ્યાન
‘ચૂંટણી પ્રચાર’ જેવું હતું.
પત્રમાં
હસ્તાક્ષર કરનારાઓમાં નાણામંત્રી નિર્મલા સીતારનમનના પતિ અને રાજનીતિક અર્થશાત્રી પી.
પ્રભાકર, દિલ્હીના પૂર્વ એલજી નજીબ જંગ, સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ, અર્થશાત્રી
જયતિ ઘોષ, સંગીતકાર-લેખક ટી. એમ. કૃષ્ણા, પૂર્વ કેન્દ્રીય સચિવ ઇએએસ શર્મા સહિતનો સમાવેશ
થાય છે.