ભોજન કર્યા બાદ તપેલામાંથી ગરોળી નિકળતાં ભયનો માહોલ ફેલાયો
જામનગર,
તા.21 : જામનગર જિલ્લાના મોટીખાવડી નજીક આવેલી ખાનગી કંપનીની લેબર કોલોનીમાં કોઇપણ
કારણસર ખોરાકી ઝેરની અસર થવાને કારણે 75થી વધુ લોકોને તબીબી સારવારની જરૂર પડી હતી.
ખાનગી હોસ્પિટલમાં કેટલાંકને સારવાર આપવામાં આવ્યા બાદ 50થી વધુ લોકોને મોડી રાતે જામનગરની
ગુરૂ ગાવિંદાસિંઘ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે મોટાભાગનાને પ્રાથમિક
સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને સદભાગ્યે કોઇ જાનહાની થયાના અહેવાલ
સાંપડતા નથી.
જામનગર
જિલ્લાના મોટીખાવડી ગામે આવેલી ખાનગી કંપનીની એક મજૂર વસાહતમાં ગઇકાલે સાંજે અનેક પરિવાર
દ્વારા સમુહમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. રસોઇ બનાવવાનું ચાલુ હતું. તે દરમિયાન
ભોજન બનાવવાના એક મોટા તપેલામાંથી એક ગરોળી પડી હતી. જો કે ગરોળી પડી તે ધ્યાને આવ્યું
ન હતું પરંતુ મજૂરોએ ભોજન કરી લીધા બાદ કેટલાંકની તબિયત બગડવી શરૂ થતાં દોડધામ મચી
ગઇ હતી. થોડા સમય બાદ રસોઇના એક ટોપમાંથી ગરોળી બહાર નિકળી હતી. આથી તેની અસર ભોજન
આરોગનારને થઇ હોવાનું માનવામાં આવે છે. આશરે 75થી વધુ શ્રમિકોને ઓછાવત્તા પ્રમાણમાં
અસર થવાથી પ્રાથમિક સારવાર માટે સૌપ્રથમ ખાનગી કંપનીની હોસ્પિટલમાં જ્યારે 50થી વધુ
લોકોને જામનગરની ગુરૂ ગાવિંદાસિંઘ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જો કે
પ્રાથમિક સારવારના એકાદ કલાક બાદ તબિયતમાં સુધારો થઇ જતાં મોટાભાગના લોકોને હોસ્પિટલમાંથી
રજા આપી દેવામાં આવી હતી. દર્દીઓને જી.જી.હોસ્પિટલ લવાયા પહેલાં કંપનીના સંબંધિત અધિકારી
દ્વારા હોસ્પિટલ તંત્રને ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓની સારવારની તૈયારી રાખવા જાણ કરવામાં
આવી હતી.