• બુધવાર, 22 એપ્રિલ, 2026

ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, મતદાનના દિવસે પણ 40 ડિગ્રીથી વધુની શકયતા

રાજકોટ 41.1 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર : દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે ભારે બફારાવાળું વાતાવરણ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.20 : રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.  ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં માવઠાની શકયતા નથી, ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની સંભાવના સેવાય છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ આગામી 26 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય અને હાલની ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીની સાથે હોટ ઍન્ડ હ્યુમિડ એટલે કે ભારે બફારાવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરશે.

હવામાન નિષ્ણાતોના અનુસાર 21થી 23 એપ્રિલ દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટીથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મતદાનના દિવસે ગરમી યથાવત્ રહેવાની શક્યતા છે. રાજ્યના વિવિધ ઝોનમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ 42 ડિગ્રી આસપાસ ગરમી રહેશે. સૌરાષ્ટ્રમાં 38થી 42 ડિગ્રી, કચ્છમાં 40 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

દરમિયાનમાં આજે પણ રાજકોટ મહત્તમ 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 40.2, અમરેલીમાં 40.0, બરોડા અને ગાંધીનગરમાં 39.6, તેમજ સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશાના પવન ફૂંકાશે. અમદાવાદ શહેરમાં તાપમાન આશરે 41 ડિગ્રી સુધી નોંધાવાની શક્યતા છે, જેના કારણે ગરમીનો માહોલ યથાવત્ રહેશે.

જુનાગઢ : શહેર અને જિલ્લામાં ઉનાળાએ ઉગ્ર મિજાજ ધારણ કરતા સમગ્ર વિસ્તાર ભઠ્ઠાગારમાં ફેરવાયો છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચતા કાળઝાળ ગરમીમાં જનજીવન શેકાઈ રહ્યું છે આ આકરા તાપને કારણે બજારો સુમસામ બની ગઈ છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક