-ઈરાન સામે ગંભીર વાંધો અને વિરોધ વ્યક્ત કર્યા પછી 7 યુદ્ધ જહાજો પણ કરાયા તૈનાત
નવી
દિલ્હી, તા.21: સ્ટ્રેટ અૉફ હોર્મુઝમાં બે ભારતીય જહાજો પર ઈરાનની સેના એટલે કે ઇસ્લામિક
રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના સૈનિકો દ્વારા કરવામાં આવેલાં ગોળીબારની ઘટનાને
ભારતે અત્યંત ગંભીરતાથી લીધી છે. આ ઘટના 18 એપ્રિલે બની હતી. સરકારે તાત્કાલિક કૂટનીતિક
પગલાં લઈને ઈરાની રાજદૂતને બોલાવીને આ ઘટનાને લઈને સખત વિરોધ નોંધાવ્યો હતો. હજી પણ
હોર્મુઝમાં 14 ભારતીય જહાજો ફસાયેલા છે અને તેમને સુરક્ષિત બહાર લાવવા માટે ભારતે પ્રયત્નો
વેગવાન કર્યા છે. બીજીબાજુ ભારતીય નૌસેનાએ પણ 7 યુદ્ધજહાજો તૈનાત કરીને વેપારી જહાજોને
એસ્કોર્ટ કરવાનું શરૂ કર્યું છે.
ગોળીબારની
ઘટના પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી એ ઈરાની દૂત સાથે મુલાકાત કરીને ભારતની ઘેરી
ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ રીતે આ વિસ્તારમાંથી પસાર થતા ભારતીય જહાજોની સુરક્ષા
સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે
પુષ્ટિ કરી હતી કે, ભારતે રાજદ્વારી માધ્યમોથી ઝડપી પગલાં લીધા છે. તેમણે કહ્યું હતું
કે, અમે ભારતીય જહાજોની સુરક્ષા અંગે ઈરાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ અને તેમને
સુરક્ષિત માર્ગ મળે તે માટે પ્રયત્નશીલ છીએ.
ભારતીય
જહાજો ઉપર થયેલા ગોળીબાર ઈરાની અધિકારીઓ અને સ્થાનિક આઈઆરજીસી યુનિટ વચ્ચે સંચારમાં
ઉણપનાં કારણે થયો હોવાનું લાગે છે. સદભાગ્યે જહાજોને કોઈ મોટું નુકસાન થયું નથી. જો
કે આ ગંભીર ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને ભારતીય નૌસેનાએ વિસ્તારમાં 7 યુદ્ધજહાજ તૈનાત
કર્યા છે. ફસાયેલા જહાજોને લાર્ક દ્વીપથી દૂર રહેવા અને માત્ર મંજૂરી મળ્યા પછી જ આગળ
વધવા માટે સલાહ આપવામાં આવી છે. નૌસેના આ જહાજોને એસ્કોર્ટ કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં
અટવાયેલા 14 ભારતીય ધ્વજવાળા જહાજોમાં ત્રણ મોટા ઓઈલ ટેન્કર અને એક એલપીજી કેરિયરનો
સમાવેશ થાય છે. 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વમાં તણાવ વધ્યા પછીથી ભારત અત્યાર સુધીમાં
10 ભારતીય એલપીજી અને ઓઈલ ટેન્કરોને આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી ચૂક્યું
છે. હવે બાકી રહેલા 14 જહાજોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.