• મંગળવાર, 02 જૂન, 2026

ગિરમાં સિંહોના ટપોટપ મોત : લેબ રિપોર્ટ ‘પેન્ડિંગ’ રહેતા રહસ્ય ઘેરું બન્યું

જસાધાર અને જામવાળા કેર સેન્ટર હાઈએલર્ટ પર, વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ માસ્ક પહેરીને દોડતા થયા : 30 સિંહ કવોરન્ટાઇન પરંતુ કારણ અકળ

500થી વધુ સિંહોનું વેક્સિનેશન, ડી-ટાકિંગ અને ડી-વોર્મિંગ શરૂ

રાજકોટ, તા.1: ગિર પૂર્વ અને ગિર પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહોના થઈ રહેલા ક્રમિક મોતોએ વનતંત્રની ઊંઘ હરામ કરી દીધી છે. આ ઘટનાને 4થી 5 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, મૃત સિંહોના સેમ્પલના અંતિમ રિપોર્ટ હજુ સુધી જાહેર ન કરવામાં આવતા વનવિભાગની કામગીરી અને સ્થિતિની ગંભીરતા પર રહસ્યનો પડદો ખેંચાઈ ગયો છે. રિપોર્ટ જાહેર થવામાં થઈ રહેલા વિલંબને કારણે સિંહપ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંહપ્રેમીઓ અને સ્થાનિકોમાં અત્યારે સૌથી મોટો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે, જો સિંહોમાં કોઈ ગંભીર કે ઘાતક ચેપી રોગ ફેલાયો નથી, તો સ્થિતિ સ્પષ્ટ કરવામાં આટલો વિલંબ કેમ થઇ રહયો છે ? સહિત વન વિભાગ માત્ર સાવચેતીના પગલાં કહીને સત્તાવાર આંકડા કે મોતના ચોક્કસ કારણો જાહેર કરવાનું ટાળી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સિંહોમાં ઘાતક કેનાઈન ડિસ્ટિમ્પર વાયરસ જેવા જ ગંભીર ચેપના લક્ષણો જોવા મળ્યા હોવાની આશંકા પ્રબળ બની છે. આ જ કારણે, તાજેતરમાં જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાતે આવેલા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને વરિષ્ઠ વન અધિકારીઓ સામાન્ય દિવસોની વિપરીત માસ્ક પહેરીને સજ્જજોવા મળ્યા હતા. મંત્રી અને અધિકારીઓની આ હાઈ-લેવલ પ્રોટોકોલ વાળી મુલાકાતે જ સાબિત કરી દીધું છે કે જંગલમાં પરિસ્થિતિ ચિંતાજનક છે, છતાં સત્તાવાર રિપોર્ટના નામે મૌન સેવવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ હજુ પ્રયોગશાળાઓમાં અટકેલો છે, પરંતુ અંદરખાને વનતંત્ર કેટલું ફફડી ગયું છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વનવિભાગે ગીરમાં આખી ફોજ ઉતારી દીધી છે. વનમંત્રીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 500થી વધુ સિંહો પર વેક્સિનેશન, ડી-ટાકિંગ (જીવાત દૂર કરવી) અને ડી-વોર્મિંગની કામગીરી પૂરી કરી દેવાઈ છે. જસાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટરોને સંપૂર્ણપણે હાઈ એલર્ટ બેઝ કેમ્પમાં ફેરવી દેવાયા છે, જ્યાં પશુચિકિત્સકો 24 કલાક મોનિટારિંગ કરી રહ્યા છે.

આ વણઉકેલાયેલા રહસ્ય વચ્ચે, વન વિભાગે કોઈપણ ભોગે સિંહોને બચાવવા માટે પૂનમની રાતનો ઉપયોગ કર્યો હતો. તમામ 19 રેન્જમાં હાઈએલર્ટ આપીને સ્ટાફને મેદાનમાં ઉતારાયો હતો. સતત 48 કલાક સુધી દિવસ-રાત પેટ્રાલિંગ કરીને દરેક રાઉન્ડ અને બીટમાં સિંહો, સિંહણો અને સિંહબાળોની શારીરિક સ્થિતિ રૂબરૂ ચેક કરવામાં આવી હતી, જેથી કોઈ પણ અશક્ત સિંહ દેખાય તો તેને તાત્કાલિક આઈસોલેટ કરી શકાય. હાલ તો ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહોના અકાળે થતા મોત અને લેબ રિપોર્ટ જાહેર ન થવાને કારણે સિંહપ્રેમીઓ સરકાર પાસે તાત્કાલિક રિપોર્ટ સાર્વજનિક કરવાની અને સમગ્ર સ્થિતિ અંગે અત્યંત પારદર્શક માહિતી આપવાની ઉગ્ર માગ કરી રહ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક