• સોમવાર, 01 જૂન, 2026

વેશ્યાવૃત્તિ કરતી દરેક મહિલા ‘મજબૂર’ નથી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : મરજી વગર પુનર્વસન કેન્દ્રમાં ન મુકાય, આ ત્રીની સ્વતંત્રતાનો વિષય

નવી દિલ્હી, તા. 31 : સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક લેખી શકાય તેવા ફેંસલામાં જણાવ્યું હતું કે, વેશ્યાવૃત્તિ કરી રહેલી ‘દરેક મહિલા’ ‘મજબૂર’ નથી. આવી હર કોઇ મહિલાને ‘મજબૂર’ માનીને તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલી દેવી ખોટું છે, તેવું સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, એવી ઘણી મહિલાઓ છે જે સ્વેચ્છાથી આ પ્રવૃત્તિ કરી રહી છે. મહિલા વયસ્ક છે, તો તેની મરજી જાણ્યા વગર સીધા તેને પુનર્વસન કેન્દ્રમાં મૂકી દેવી ખોટું ગણાશે.

‘પ્રજ્વલા વિરુદ્ધ ભારત સરકાર’ મામલામાં કરાયેલી એક અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની ખંડપીઠે આ મોટો ચુકાદો આપ્યો હતો.

અરજીમાં વેશ્યાવૃત્તિમાંથી મુક્ત થયેલી, કરાયેલી મહિલાઓના પુનર્વસનની વ્યવસ્થા સારી બનાવવાની માંગ કરાઇ હતી.

સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે આવી મહિલાઓના સંબંધમાં તૈયાર કરાયેલી તમામ યોજનાઓ અને તેના અમલમાં રાજ્ય સરકારોના પ્રયાસોની જાણકારી આપી હતી, જેના પર અદાલતે સંતોષ વ્યક્ત કર્યો હતો.

સુપ્રીમે વર્તમાન કાનૂની વ્યવસ્થાને અવ્યવહારિક અને પુરુષવાદી માનસિકતાથી ગ્રસ્ત લેખાવી હતી. ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શનના 1956ના કાયદાની કલમ 17માં દરેક ‘સેક્સવર્કર’ મહિલાને એક જ દૃષ્ટિકોણથી જોવાઇ છે.

કાયદામાં એ વાતનો ફરક નથી જોવાતો કે મહિલા પાસેથી બળજબરીપૂર્વક વેશ્યાવૃત્તિ કરાવાય છે કે પોતાની ઇચ્છાથી કામ કરે છે, તેવું કોર્ટે કહ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક