• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ઉમેદવારોની કવાયત તેજ 4 બેઠકો માટે તા.8 જૂન સુધી ભરાશે ફોર્મ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.1 : રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. રાજ્યસભાની ગુજરાતની ચાર બેઠકો માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે તા.1 જુના રોજથી સત્તાવાર નોટિફિકેશન જાહેર થયું છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જૂન નક્કી કરવામાં આવી છે.જ્યારે 18 જનના રોજ મતદાન થશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાના સચિવ ચેતન પંડ્યાને નિર્વાચન અધિકારી તેમજ એમ.એચ.કરંગીયાને મદદનીશ નિર્વાચન અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાને જોતા ચારેય બેઠક પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવી પૂરી શક્યતા છે ત્યારે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મથામણ શરૂ થઇ છે.  ચર્ચાઓ મુજબ, સંગઠન અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, જગદિશ વિશ્વકર્માની દિલ્હી મુલાકાત દરમિયાન રાજ્યસભાના ઉમેદવારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે.

અહીં નોંધવું ઘટે કે, રાજ્યસભામાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. તેમાં કોંગ્રેસના નેતા શક્તાસિંહ ગોહિલનો નો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.તે ઉપરાંત નરહરી અમીન (પાટીદાર સમાજ), રમીલા બારા (આદિવાસી સમાજ) અને રામ મોકરિયાની મુદત પણ પૂર્ણ થઈ રહી છે. આ કારણે ચાર બેઠકો પર સંભવત: ચારેય ઝોનમાંથી નવા ચહેરાઓને તક મળે તેવી શક્યતા જોવાઇ રહી  છે.

સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે. અંજલિબેન રૂપાણીને રાજ્યસભા માટે મોકો મળી શકે છે. પાર્ટીએ ગોરધન ઝડફિયા અને ભૂપેન્દ્ર ચુડાસમાના નામની પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. જો કે પાર્ટી  સામાજિક સમીકરણો અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર નિર્ણય લઈ શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક