હવામાન વિભાગનો વર્તારો : સામાન્ય રીતે 1 જૂને આવી પહોંચતું ચોમાસું આ વખતે થોડું મોડું : સીઝનમાં સામાન્યથી ઓછો રહેશે વરસાદ
નવી
દિલ્હી, તા.1: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)નાં જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય)
ચોમાસું આગામી 2થી 3 દિવસમાં કેરળમાં પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની
આસપાસ કેરળમાં પહોંચે છે પરંતુ આ વખતે તેમાં થોડું મોડું થયું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર, લક્ષદ્વીપ,
કેરળ અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ચોમાસાને આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે.
બંગાળની ખાડીના ઘણા વિસ્તારોમાં પણ ચોમાસુ આગળ વધી શકે છે.
હવામાન
વિભાગે અગાઉ અંદાજ લગાવ્યો હતો કે ચોમાસુ 26 મેના રોજ કેરળમાં પહોંચશે પરંતુ બાદમાં
તેની ગતિ ધીમી પડી ગઈ હતી. હવે તે જૂનના પ્રથમ સપ્તાહમાં પહોંચવાની શક્યતા છે.
હાલમાં
સમગ્ર દેશમાં હીટવેવ (લૂ)ની અસર સમાપ્ત થઈ ગઈ છે. રાજસ્થાનના અજમેર, નાગૌર અને ચિત્તૌડગઢમાં
સોમવારે કરા પડયા હતા. મધ્ય પ્રદેશના 4 જિલ્લામાં આંધીઓ અને વરસાદનો માહોલ યથાવત્ છે.
ઉત્તર પ્રદેશના
ઝાંસી
અને લલિતપુરમાં ભારે વરસાદ થયો હતો. જ્યારે 63 જિલ્લાઓમાં આંધી અને વરસાદ માટે એલર્ટ
જાહેર કરવામાં આવ્યું છે. બિહારના સાસારામમાં પણ બપોર બાદ વરસાદ પડયો હતો. ઉપરાંત ઝારખંડ,
છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ સહિત 27 રાજ્યમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં
આવી છે.
હવામાન
વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની
શક્યતા છે. સમગ્ર સીઝનમાં વરસાદ લાંબા ગાળાની સરેરાશના આશરે 90% જેટલો રહેવાનો અંદાજ
છે. જો કોઈ વર્ષે વરસાદ લાંબાગળાની સરેરાશના 90% કરતાં ઓછો રહે, તો તેને સામાન્ય કરતાં
ઓછા વરસાદની શ્રેણીમાં ગણવામાં આવે છે.
આઈએમડીના
જણાવ્યા અનુસાર આ વર્ષે ઓછા વરસાદનું એક મુખ્ય કારણ અલ નીનો હોઈ શકે છે. અલ નીનો એવી
હવામાની પરિસ્થિતિ છે જેમાં પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય
છે. તેનો પ્રભાવ ભારતના ચોમાસા પર પડે છે અને ઘણીવાર વરસાદમાં ઘટાડો જોવા મળે છે. હાલમાં
પ્રશાંત મહાસાગરમાં પરિસ્થિતિ ધીમે ધીમે અલ નીનો તરફ આગળ વધી રહી છે. હવામાન વિભાગનો
અંદાજ છે કે જૂન મહિનામાં અલ નીનો નબળો રહી શકે છે, પરંતુ સપ્ટેમ્બર સુધીમાં તે મધ્યમ
અથવા મજબૂત સ્વરૂપ ધારણ કરી શકે છે.