સોલાર પેનલની ગઘઈ બદલ લાંચ માગી હતી, અધિકારીની કારમાંથી રૂ.5.51 લાખ જપ્ત કરાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.1: ગાંધીનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન
હાથ ધરવામાં આવ્યું છે. ઉદ્યોગ ભવન ખાતે બેસતા વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ વન ઓફિસર
અશ્વિન.બી.ચૌધરીની લાખો રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. સોલાર
પેનલ લગાવવા માટે લાયસન્સ તથા એનઓસી આપવા લાંચ માંગવામાં આવી હતી. એસીબીની ટીમે ક્લાસ
વન અધિકારીની કારમાંથી રૂ. 5.51 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ
વધુ કાર્યવાહી કરાતા ગાંધીનગર અને સુરત ખાતેના નિવાસે પણ દરોડા પાડીને સર્ચ હાથ ધર્યું
હતું. જેમાં મોટાપાયે રોકડ અને દાગીના મળતા ખળભળાટ મચી ગયો છે. અપ્રમાણસર મિલકતના કેસમાં
પકડાયેલા આરોપી અશ્વિન ચૌધરીને અદાલતમાં રજૂ કરી એસીબી રિમાન્ડ મેળવશે.
બાતમીના
આધારે એસીબીએ ગાંધીનગરથી નીકળતી વખતે અધિકારી અશ્વિન ચૌધરીની કાર રોકીને તપાસ કરી હતી.
સર્ચ દરમિયાન તેમની ગાડીમાંથી 5.51 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી, જે લાંચના પૈસા
હોવાનું અધિકારીએ પોતે કબૂલ્યું છે. અધિકારીએ છેલ્લા એકાદ અઠવાડિયામાં 100થી વધુ ફાઈલો
મંજૂર કરી હોવાનું જણાયું છે. એસીબી દ્વારા ચૌધરીના ગાંધીનગર સ્થિત ઘરે સર્ચ કરાતા
રૂ. 1.70 કરોડથી વધુની રોકડ અને 88.83 લાખના સોના-ચાંદીના સિક્કા, લગડીઓ તથા દાગીના
મળ્યા હતા. અધિકારી મૂળ સુરતના હોવાથી વેસુ વિસ્તારમાં આવેલા તેમના ઘરે પણ તપાસ હાથ
ધરી કુલ રૂ. 2.65 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસીબીના ઈતિહાસમાં પ્રથમ
વખત આટલી મોટી રોકડ અને
ગોલ્ડ-સિલ્વર
કબજે કરી 24 કલાકમાં અપ્રમાણસર મિલકતનો કેસ નોંધી આરોપીની ધરપકડ કરાઈ છે.
એસીબીના
જણાવ્યા મુજબ અશ્વિન ચૌધરી ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક પદે છે અને તેઓ સ્થળ
પર તપાસ કર્યા વગર જ ઓનલાઈન સોલાર પેનલ લગાવવાની મંજૂરી આપતા હતા અને લાંચ સ્વીકારતા
હોવાની ફરિયાદ મળી હતી. અધિકારી આશરે ચારેક વર્ષથી આ પદ પર કામગીરી કરી રહ્યા હતા.
લાંચ આપનાર કંપની વિરુદ્ધ પણ કડક કામગીરી કરાશે. આમાં અન્ય સ્ટાફ કે કોઈ ખાનગી વ્યક્તિની
સંડોવણી છે કે કેમ તેની તપાસ કરાશે. ચૌધરીની વધુ પૂછપરછ કરી તેમના બેન્ક ખાતા, પરિવારજનોના
નામે મિલકતો વગેરે માહિતી એસીબી એકત્ર કરશે. ભૂતકાળમાં તેમણે મંજૂરી આપી હોય તેવી ફાઈલોની
પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાશે અને કોઈ ગેરરીતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.