• મંગળવાર, 02 જૂન, 2026

કોમર્શિયલ ગેસનો બાટલો 42 રૂપિયા મોંઘો

મોંઘવારીનો વધુ

એક ડામ : ઘરેલુ રાંધણગેસના ભાવ યથાવત્

 

નવીદિલ્હી, તા.1: મોંઘવારીનાં ડામ એક પછી એક ચાલુ જ છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા બાદ હવે કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે. 19 કિલોનાં કોમર્શિયલ ગેસનાં સિલિન્ડરના ભાવમાં 42 રૂપિયાનો આજે વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.  આ ભાવ વધારાનાં કારણે રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ બાટલાનો ભાવ વધીને 3113.50 રૂપિયા અને કોલકતામાં 53.50 રૂપિયા વધીને 3255.50 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત પાંચ કિલોનાં નાના એફટીએલ સિલિન્ડરના ભાવમાં પણ 11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે આમાં રાહતની વાત એ છે કે, ઘરેલું રાંધણગેસના બાટલાના ભાવમાં કોઈ જ ફેરફાર થયો નથી. જો કે કોમર્શિયલ બાટલાના ભાવમાં વધારો થવાનાં કારણે હોટેલ, રેસ્ટોરાં સહિત બહાર ખાવા-પીવાની ચીજોનાં ભાવમાં વધારો થઈ શકે છે.

 

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમત 27 % ઘટી

 

નવી દિલ્હી, તા. 1 : એવિએશન સેક્ટર માટે સોમવારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) એટલે કે, જેટ ફ્યુઅલની કિંમતોમાં 27 ટકાનો ઘટાડો કરાયો હતો. જો કે, દેશની અંદર ઉડાન ભરતી ઘરેલુ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. એક મીડિયા હેવાલ મુજબ, ઉદ્યોગના સૂત્રો દ્વારા અપાયેલી વ્ગિતોમાં આ મોટા ઘટાડાને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે જેટ ફ્યુઅલની કિંમતોમાં પ્રતિ કિલોલીટર 400 ડોલરથી પણ વધુનો ઘટાડો નોંધાયો હતો, તે પછી હવે નવી કિંમત ઘટીને આશરે 1,100  ડોલર પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જે ભારતીય ચલણમાં આશરે 1,05,000 રૂપિયા પ્રતિ કિલોલીટર જેટલી થાય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક