• બુધવાર, 03 જૂન, 2026

ભાવનગર, મૂળી, બોટાદ, ધ્રાંગધ્રા, મોરબી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ

તોફાની પવનના કારણે વીજપોલ અને ટ્રાન્સફોર્મર ધરાશાયી; અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો

ખોરવાયો : 150 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધંધુકા વિસ્તારમાં 4 ઇંચ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.2 : છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાના આકરી મિજાજના કારણે લોકો અકળાઇ ઉઠયા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારની મોડી રાત્રે ભાવનગર, મૂળી, બોટાદ અને ધ્રાંગધ્રા પંથકમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળી હતી. ભારે પવનના કારણે ઘણી જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર 1 જૂન રાતથી જ રાજ્યના અનેક પ્રદેશોમાં વરસાદ સાથે વાવાઝોડુ ત્રાટક્યું હતુ. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર એમ તમામ જિલ્લાઓમાં ગઇકાલે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ગીજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે પ્રાપ્ત આંકડાઓ અનુસાર 150 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં 4 ઇંચ પડ્યો હતો. 

સરા : મુળી પંથકમાં સોમવારવી રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સરા લાઇનના પરાશીયા ફીડર પર આવેલા વીજપોલ અને ટ્રાન્સફોર્મર (ટી.સી.) ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગયા હતા. ઘટનાના પગલે પરાશીયા ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ધ્રાંગધ્રા : સોમવારે મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસ વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. અચાનક પડેલા વરસાદના કારણે ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ સાથે જોરદાર પવન ફૂકાતા વૃક્ષોની ડાળીઓ તુટી પડવાથી વિજ પુરવઠો ખોરવાયો હતો. જેગડવા ગામે વીજપોલમાં શોર્ટ સર્કિટ થવાથી એક ગાયનું મોત થયું હતું. આ જર્જરીત વિજપોલ અંગે સ્થાનિકોએ વીજતંત્રને રજૂઆત કરી હતી પરતું કોઇ કામગીરી થઇ ન હતી. પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહયા છે.

બોટાદ : શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા માહોલ વચ્ચે હળવો વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી.

ભાવનગર : છેલ્લા કેટલાક સમયથી કાળઝાર ગરમીથી ભાવનગરવાસીઓને છુટકારો મળ્યો છે. ગત મોડી રાત્રિના 2 વાગે ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા ગાઢ નિંદ્રા માં સુતેલા લોકો જાગી ગયા હતા. અગાસીમાં સુતેલા લોકો ગાદલા ગોદડા લઈ ભાગ્યા હતા. વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અચાનક વરસાદનું આગમન થતાં ગરમીથી કંટાળેલા નગરજનોમાં રાહતની લાગણી થઈ હતી. શહેરમાં 2.6 મી.મી. અને ઘોઘામાં રાત્રે 7 મી.મી. વરસાદ નોંધાયો છે. 

મોરબી : શહેર અને જીલ્લામાં મોડી રાત્રીના વાતાવરણમાં પલટો આવ્યો હોય અને ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરુ થયો હતો. પવન સાથે વરસાદ શરુ થતા નાગરિકોને બફારામાંથી રાહત મળી હતી જો કે વરસાદ શરુ થતા જ જીલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ થયો હતો. વર્ષ દરમિયાન પીજીવીસીએલની ટીમ દ્વારા પ્રી મોન્સુન કામગીરી કરવામાં આવી હોવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે પ્રથમ અને સામાન્ય વરસાદે તમામ દાવો પોકળ સાબિત કર્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક