બિસ્કિટના બોક્સમાં છુપાવીને લઈ જવાતું હતું : મુંબઈના પેડલરની ધરપકડ, રાજસ્થાનથી વાયા અમદાવાદ થઈ મુંબઈ ડ્રગ્સ પહોંચાડવાનું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.2: ગુજરાતને નશાના ડ્રગ નેટવર્કથી બચાવવા માટે એલર્ટ
બનેલી અમદાવાદની નરોડા પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય
ડ્રગ માફિયાઓને મોટો ઝટકો આપ્યો છે. નાના ચિલોડા સર્કલ પાસે મોડી રાત્રે ફિલ્મી ઢબે
ગોઠવાયેલા પોલીસ ઓપરેશનમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં 14.16 કરોડની કિંમત ધરાવતા 7 કિલોથી
વધુ ઘાતક મેથામ્ફએટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના એક પેડલરને દબોચી લેવાયો છે.
ડ્રગ્સની હેરાફેરી માટે અપનાવાયેલી મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ અને એફએસએલના અધિકારીઓ
પણ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે મોતનો આ સામાન જાણીતી બ્રાન્ડના બિસ્કિટના બોક્સમાં
બહુ ચાલાકીથી સંતાડવામાં આવ્યો હતો.
નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર સી.વી.નાયક
અને એસ.એ.કોટડિયાએ તેમના વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી દારુ, જુગાર, ડ્રગ્સ સહિતની
બદીઓ પર અંકુશ રાખવા સ્ટાફને નિર્દેષ આપ્યો છે. ત્યારે નરોડા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પી.એસ.આઇ વી.આર. ચૌધરી અને તેમની સર્વેલન્સ ટીમને
ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ વાદળી કલરના થેલામાં નશાકારક
પદાર્થ લઈને પસાર થવાનો છે. જેના આધારે પોલીસે છટકું ગોઠવી મોહમ્મદસાજીદ મોહમ્મદઉસ્માન
શેખ (ઉ.વ. 48, રહે. ગીલબીટ હીલ્સ ચોકી, અંધેરી વેસ્ટ તથા જોગેશ્વરી વેસ્ટ, મુંબઈ) નામના
શખસને ઝડપી લીધો હતો. આરોપીની વાદળી કલરની ટ્રાવેલ બેગની તલાશી લેતા તેમાંથી પંજાબી
આટા બિસ્કિટ, ઉસ્માનિયા બિસ્કિટ, કરાચી કેશ્યુ બિસ્કિટ અને સનફીસ્ટ ડાર્ક ફેન્ટસી જેવા
અલગ-અલગ બિસ્કિટના પાંચ પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની અંદર સિલ્વર કલરના
પ્લાસ્ટિક પાઉચમાં સફેદ ચળકાટવાળો પાવડર સંતાડવામાં આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારી દ્વારા
સ્થળ પર કેમિકલ કિટ વડે પરીક્ષણ કરતા તે મેથામ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું.
આરોપી મોહમ્મદસાજીદની પૂછપરછમાં
ડ્રગ્સ માફિયાના આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો થયો છે. આરોપીએ કબૂલાત કરી હતી કે, ક્યુબેન
નામના એક નાઈજારિયન વ્યક્તિના કહેવાથી તે મુંબઈથી રાજસ્થાનના જયપુર ગયો હતો. જયપુરમાં
સિંધી કેમ્પ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા શખ્સે તેને આ ડ્રગ્સ ભરેલી બેગ આપી હતી. આ
ડ્રગ્સ લઈને તે પરત મુંબઈ જઈ રહ્યો હતો અને ત્યાં ક્યુબેનને ડિલિવરી આપવાનો હતો. આ
ગેરકાયદેસર કામ માટે તેને માત્ર એક ટ્રીપના 10,000 મળવાના હતા. પોલીસે ફરાર નાઈજિરિયન
ક્યુબેન અને જયપુરના અજાણ્યા શખસને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.