• બુધવાર, 03 જૂન, 2026

અમદાવાદ : GSTની ટીમે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપ્યા

રાજસ્થાનથી આવેલી ખાનગી બસની ડેકીમાંથી મળ્યો જથ્થો : આધાર-પુરાવા વગર હેરફેર કરવામાં આવતો રૂ.4.25 કરોડનો માલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.2: રાજ્ય વેરા વિભાગ (સ્ટેટ જીએસટી)ની મોબાઇલ સ્ક્વોડે અમદાવાદમાંથી કોઇપણ યોગ્ય પુરાવા વગર હેરફેર કરવામાં આવી રહેલા રૂ.4.25 કરોડના માલને ઝડપી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીએસટીની ટીમે આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો કબજે કર્યા છે. આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઇતિહાસમાં સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જપ્તી અગાઉથી મળેલી બાતમીને આધારે કરવામાં આવી હતી. ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદમાં નારોલમાં અન્ય રાજ્યમાંથી એક લક્ઝરી બસમાં હેરફેર કરવામાં આવી રહી છે. જેથી અન્ય રાજ્યોમાંથી આવતી બસનું ચેકીંગ કરતા રાજસ્થાનથી આવેલી ખાનગી ટ્રાવેલ્સની ડેકીમાંથી પ્લાસ્ટીકના થેલામાં રાખવામાં આવેલો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોનો જથ્થો મળી આવ્યા હતા. આ જથ્થાં અંગેના કોઇ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી હાલ આ જથ્થો સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કબ્જે લીધો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા માલ-સામાનનો સ્ત્રોત, માલિકી અને પરિવહન પાછળના વ્યવહારો અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. જો તપાસ દરમિયાન કરચોરી અથવા અન્ય કાનૂની ઉલ્લંઘનો સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક