• રવિવાર, 14 જૂન, 2026

જાંબુડા પાસે વેલકમ વોટર પાર્કમાં ડૂબી જવાથી 14 વર્ષના તરુણનું મૃત્યુ

એક જ અઠવાડિયામાં બીજો બનાવ : તંત્ર વોટરપાર્કના સંચાલકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ

જામનગર, તા.13 : જામનગર નજીક  જાંબુડાના પાટિયા પાસે આવેલા વેલકમ વોટર પાર્કમાં આજે એક 14 વર્ષના તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ અઠવાડિયામાં આ વોટરપાર્કમાં પાણીમાં ડૂબી જવાનો બીજો બનાવ નોંધાયો છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર નજીક જાંબુડાના પાટીયા પાસે આવેલા વેલકમ રિસોર્ટ વોટર પાર્કમાં જામનગરના શરૂ સેકશન વિસ્તારમાં રહેતા સ્વોમારકર પરિવારના સભ્યો ગરમીથી રાહત મેળવવા અને વોટરપાર્કની મજા માણવા માટે ગયા હતા પરંતુ પરિવાર માટે વોટરપાર્કની મજા સજામાં ફેરવાઈ ગઈ છે.

સ્વોમારકર પરિવારના 14 વર્ષન પુત્ર આરવનું અહીંયા ડૂબી જતા મૃત્યુ નિપજ્યું છે. આરવને સારવાર મળે તે પહેલા જ તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની  ગયું હતું. આરવ મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વોટરપાર્કમાં સલામતીના સાધનોથી લઈ અને બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ આ જ વોટરપાર્કમાં ગત તા.5ના રોજ હાપા વિસ્તારમાં રહેતો હર્ષ કિરીટભાઈ પરમાર (ઉં.વ.8) નામના બાળકનું પણ ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આજે ફરી આ ઘટના બનવા પામી છે. તંત્ર વેલકમ વોટરપાર્કના સંચાલકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ ગયું છે.

 આ વોટરપાર્કમાં કોઈ સલામતીના સાધનો છે કે નહીં ? તે બાબતે પણ તંત્રએ હવે કડક કાર્યવાહી કરવી જોઈએ. આ વોટરપાર્કમાં શનિ-રવિની રજામાં મોટી સંખ્યામાં લોકો પરિવારજનો સાથે મજા માણવા માટે ઉમટી પડે છે ત્યારે આ તેના સંચાલકોને જાણે કોઈ લોકોની સલામતીની કંઈ જ પરવા ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક