• શનિવાર, 13 જૂન, 2026

ઉનાળુ મગફળીનો સવાયો પાક નવી આવકમાં જોરદાર વધારો

ડિસા, પાલનપુર અને પાથાવાડામાં વધતી જતી આવક : જૂનો માલબોજ મોટો

રાજકોટ,તા.12: (ફૂલછાબ ન્યૂઝ) ઉનાળુ મગફળીની આવકનો આરંભ થઇ જતા હવે કુલ આવકનો આંક ગુજરાતમાં સવા લાખ ગુણીએ પહોંચી ગયો છે. પાછલા દોઢ-બે માસથી માત્ર ત્રીસ હજાર ગુણી આવક મગફળીમાં થતી હતી. જોકે હવે ઉત્તર ગુજરાત તથા ભાવનગર પટ્ટીમાં આવકનું જોર વધી રહ્યું છે એટલે પુરવઠો વધ્યો છે. ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનું ઉત્પાદન સવાયું છે એ જોતા આવક હજુ ખાસ્સી વધશે તેમ વેપારીઓ કહે છે.

ડિસા, પાલનપુર, પાથાવાડા અને હિંમતનગર જેવા ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં ધીરે ધીરે ચિક્કાર આવક થવા લાગી છે. નવી મગફળીની આવક વધવા લાગતા ફરીથી તેલમીલો અને દાણાવાળા સક્રિય થઇ રહ્યા છે. સરકારી મગફળી ઉંચા ભાવમાં વેચાય છે ત્યારે હવે ઉનાળુ માલ આવતા સરળતાથી મળતર થશે અને સોદા પણ વધશે. ગુજરાતભરમાં હવે સવા લાખ ગુણી જેટલી નવી જૂની આવક થઇ રહી છે. જોકે એમાં 90 ટકા માલ નવો-ઉનાળુ આવે છે તેમ સીંગદાણાના બ્રોકરોએ કહ્યું હતુ. ડિસામાં હવે આવક વધવાનું શરૂ થઇ જતા 50 હજાર ગુણીને આવક પાર થઇ ગઇ છે.પાલનપુરમાં પણ 20 હજાર ગુણી અને પાથાવાડામાં 10-12 હજાર ગુણી રોજ આવવા માંડી છે. ઉનાળુ મગફળીનો ભાવ પ્રતિ મણ રૂ. 1200-1900 સુધી ક્વોલિટી પ્રમાણે બોલાય છે.રાજકોટ અને ગોંડલમાં નવી જૂની મિક્સ મગફળી આવી રહી છે.

દરમિયાન ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનો પાક ગુજરાતભરમાં 20 ટકા કરતા વધારે સુધરીને 1.27 લાખ ટન થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગયા મહિને આઇઓપીઇપીસીની બેઠક રાજકોટમાં મળી ત્યારે આ અંદાજ આવ્યો હતો. જોકે વેપારી વર્ગ પણ આ અંદાજ સાથે સહમત છે. વાવેતર વધ્યું હતુ અને પાક પર કોઇ આફત આવી નથી એટલે ગુણવત્તા પણ સારી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક