આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મેઘમહેર થશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 13 : સમગ્ર ગુજરાત ચોમાસાની રાહ જોઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાતના અનુસાર
સપ્ટેમ્બર મહિનામાં ‘અલ-નીનો’ની ઘાતક અસર જોવા મળી શકે છે. જો સપ્ટેમ્બરમાં અલ-નીનો
સક્રિય થશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ ખેંચાવાની અથવા નબળો પડવાની પૂરેપૂરી આશંકા
છે, જે કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.
હવામાન
વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં
મેઘમહેર જોવા મળશે. નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને પગલે રાજ્યના વાતાવરણમાં
મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી આગળ
વધી ચૂક્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી વેગવાન બની છે.
આગામી
7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની
આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ
દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને
ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. શરૂઆતના
તબક્કામાં દક્ષિણના સરહદી જિલ્લાઓને ઘમરોળ્યા બાદ આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે
અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ તરફ પ્રયાણ કરશે. 15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય
થતાં જ ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે છે. બીજી બાજુ નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર
મહિનામાં ઘાતક ‘અલ-નીનો’ સક્રિય થવાની મોટી શક્યતા છે.
સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને
મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે. અંબાલાલ પટેલે ખુલાસો કર્યો
છે કે, હાલમાં અરબ સાગર જોઈએ તેટલો સક્રિય નથી. અરબ દેશોમાંથી આવી રહેલા ગરમ અને સૂકા
પવનોના કારણે ચોમાસાની જે સિસ્ટમ બની હતી તે નબળી પડી ગઈ છે. આ જ કારણ છે કે, મુંબઈમાં
ચોમાસાની ગતિ થંભી ગઈ છે.
અરબ
દેશોના સૂકા અને ગરમ પવનોની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે. ખાસ
કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર
રીતે ઘટી ગયું છે. ભેજ ઘટવાના કારણે વરસાદ લાવતા વાદળો બંધાવામાં મુશ્કેલી પડી રહી
છે, જેને લીધે ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગરમા
સૌથી વધુ તાપમાન
આજે સાંજે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા પર નજર
નાખતા જણાય છે કે આજે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં 41.9 નોંધાયુ હતું. જ્યારે અમદાવાદમાં
41.3, રાજકોટમાં 40.8, બરોડામાં 38.6, ડીસામાં
39, કંડલામાં 37.1, સુરેન્દ્રનગરમાં 39.5 તેમજ સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું
હતું.