• રવિવાર, 14 જૂન, 2026

કપાસના બિયારણની માગને ફટકો

નવી ટેકનોલોજીના શૂન્યાવકાશમાં કિસાનો મંજૂર ન થયેલી જાતો વાવવા લાગ્યાં 

રાજકોટ,તા.13: (ફૂલછાબ ન્યૂઝ) બીટી કપાસના 2001માં આગમન પછી નવી ટેકનોલોજીનું કોઇ બિયારણ સરકારે મંજૂર નહીં કરતા કિસાનો જૂના બિયારણથી વિમુખ થતાં જાય છે. જોકે નવા બિયારણના શૂન્યાવકાશ જેવી સ્થિતિમાં હવે ખેડૂતો બોલગાર્ડને બદલે ગેરકાયદ ઁ(મંજૂરી ન મળી હોય તેવી જાત) બિયારણો લઇને વાવણી કરવા લાગ્યા છે.

સરકારની આયાત નીતિ, ઘટતી જતી ઉત્પાદકતા અને હવામાનની પ્રતિકૂળતાને કારણે ખેડૂતો ભારે નાસીપાસ છે એવામાં વધુ ઉત્પાદન આપતી કોઇ જ ટેકનોલોજીનું બિયારણ ઉપલબ્ધ ન રહેતા ગુજરાતમાં વાવેતર વિસ્તાર વધુ એક વર્ષ 10 ટકા કે વધુ ઘટવાનું અનુમાન છે.

કપાસનું બિયારણ ઉત્પાદન કરતા અને વેંચતા કેટલાક ડિલરો સાથે થયેલી વાતચીતમાં એમ જાણવા મળ્યું કે, બોલગાર્ડનું વેચાણ ઉત્તરોતર ઘટતું જાય છે. ખેડૂતો ખાનગી રાહે ફોર જી નામે વેચાતા ગેરકાયદે બિયારણો મેળવીને વાવણી કરી રહ્યા છે. બોલગાર્ડના ડિલરો અને ઉત્પાદકોને ત્યાં માગ સાવ પાતળી થઇ ગઇ છે એની સામે ગેરકાયદે બિયારણનું વેચાણ ખૂબ થઇ રહ્યાનું જાણવા મળ્યું છે. તેમણે ઉમેર્યું કે, આવા બિયારણો ખેડૂતો પરસ્પર ખરીદી લઇને વાવણી પણ કરી નાંખે છે. ઉત્પાદનમાં પણ બહુ વાંધો આવતો નહીં હોવાથી આ પ્રવૃત્તિ ફૂલીફાલી છે.

એક ડિલરે કહ્યું કે, બોલગાર્ડના લાખો પેકેટ અગાઉના વર્ષોમાં વેંચાતા હતા પણ હવે એક લાખ સુધી પહોંચવું પણ કઠિન બન્યું છે. તેમણે ઉમેર્યું કે, આમ થવા પાછળનું મોટું કારણ નવી ટેકનોલોજીવાળા બિયારણનો અભાવ છે. બોલગાર્ડમાં ઉત્પાદનની સમસ્યાઓ વ્યાપક છે. છેલ્લાં ત્રણ ચાર વર્ષથી ઉત્તરોતર વાવણી ઘટતી જાય છે, જે હજુ વધુ ઘટી શકે તેમ છે.

બોલગાર્ડના એક રિટેઇલ વિક્રેતા કહે છેકે, અમારી પાસે અને અમારા જેવા અનેક વેપારી વર્ગ પાસે બિયારણનો પુષ્કળ જથ્થો પડયો છે. સ્ટોક તો હતો જ પણ નવા બનેલા બિયારણ પણ ઉમેરાયા છે. ખેડૂત વર્ગની માગ 10-20 ટકા જેટલી માંડ છે. ટૂંકા અંતરમાં એટલેકે ઘાટો કપાસ વાવીને ઉત્પાદન લેવું હોય તેની ખરીદી છે. જોકે મોટાંભાગના ખેડૂતો એમાં સફળ થતાં નથી તેમ તેમનું કહેવુ છે.

કપાસ ઉત્પાદન લેવા માટે સમસ્યા વ્યાપક છે. મોટી સમસ્યા ભાવને લગતી છે. કપાસ તૈયાર થાય ત્યારે વિણવા માટે મજૂરો મળતા નથી. ખેડૂતો કપાસ સાવ વાવતા નથી એવું પણ નથી. જોકે બોલગાર્ડની બદલે ગેરકાયદે બિયારણ લ્યે છે. નવી ટેકનોલોજીના બિયારણનો શૂન્યાવકાશ અને સરકારની આયાત નીતિ ખેડૂતો માટે નડતરરૂપ છે.

સોયાબીન-મગફળીના બિયારણની માગ વધી

તેલિબિયાં પાકમાં સોયાબીન અને મગફળી બન્નેએ ખૂબ સારું વળતર પાછલા બે વર્ષમાં આપ્યું છે. તેના પરિણામે ખેડૂતો કપાસ ઓછો કરીને મગફળી કે સોયાબીન વાવવા માટે રાજી છે. બિયારણ વિક્રેતાઓ કહે છે. કપાસથી સોયાબીન તરફ વળતા કે કપાસ ઓછો કરીને સોયાબીન વાવવા ઇચ્છતા ખેડૂતોની સંખ્યા વધી છે. મગફળીમાં બે ત્રણ વર્ષથી ઉતરોતર પાક વધતો જાય છે અને ભાવ પણ મળે છે એટલે મગફળીના વાવેતર પણ ફરી પુષ્કળ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક