છેલ્લા
20 દિવસમાં સિંહના હુમલાની ચોથી ઘટનાથી ગીર પંથકમાં ભારે રોષ: ઘરથી માત્ર
20 ફૂટ દૂર બનેલી હૃદયદ્રાવક ઘટનાથી વન
વિભાગની નિક્રિયતા સામે સ્થાનિકોમાં આક્રોશ
અમરેલી
તા.25: અમરેલી જિલ્લામાં હિંસક વન્યજીવોનો આતંક યથાવત્ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં
કંપારી છૂટી જાય તેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 20 જ દિવસમાં સિંહના હુમલાની આ ચોથી
ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના ચતુરી ગામે વન વિભાગની ઘોર નિક્રિયતા વચ્ચે વધુ એક
માસૂમ બાળક કાળનો કોળિયો બનતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે. ગઈકાલે રાત્રિના સમયે
દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા માસૂમને સિંહણ દાદાની નજર સામે હાથની આંગળીએથી
ઝૂંટવી અને લઈ ગઈ હતી અને બાળકને ફાડી ખાધો હતો જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં
ભારે રોષ વ્યાપ્યો છ
વિગત
એવી છે કે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામનો 5 વર્ષનો એક માસૂમ જીયાન દેવકુભાઈ
સીઢા જ્યારે ગઈકાલે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘરની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા
જઈ રહ્યો હતો. ત્યારે જ અંધારામાં કાળ બનીને આવેલી એક સિંહણે બાળક ઉપર તરાપ મારી હતી. દાદા કંઈ સમજે તે
પહેલાં જ સિંહણ બાળકને દાદાના હાથની આંગળીએથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ હતી. પોતાના
ઘરથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ
સર્જાયું હતું. દોઢ બે કલાકની જહેમત બાદ ગામથી એક કિ.મી. દૂર જંગલ વિસ્તારમાંથી આ માસૂમ
બાળકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ પરિવારનો
એકના એક દીકરો છીનવાઈ ગયો હતો. આજે સવારે અંતિમક્રિયા વખતે લોકો આક્રંદ કરતા જોવા મળ્યા
હતા. અને મૃતકના કાકાએ વનવિભાગ અને સરકાર સામે સવાલો કર્યા હતા.
અમરેલી
જિલ્લામાં છેલ્લા એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી. બગસરાના ઘંટીયાળ
ગામે 7 વર્ષના પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને સિંહે ફાડી ખાધો હતો, ત્યાર બાદ સાવરકુંડલાના
જૂના સાવર ગામે વયોવૃધ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા હતા. તો રાજુલાનું કોવાયા ગામે
ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાધાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યાં આ
ચોથી ઘટના ચતુરી ગામે ઘટી હતી.
ગ્રામજનોએ
ચીમકી ઉચ્ચારી છે કે, જો વન વિભાગ દ્વારા વનરાજોના આતંકથી કાયમી છુટકારો અને માનવ રક્ષણ
માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વનમંત્રી
અર્જુન મોઢવાડિયા પણ ચતુરી ગામે આવવાના છે, તે જ સિંહોના ગંભીર પ્રશ્નો નિવારણ કરે
જેથી ખેતી પણ ખેડૂતો કરી શકે ને માલધારીઓ પશુપાલન કરી શકે તેવું નિવેદન ચતુરીના સરપંચ
કમલેશ જાનીએ આપ્યું હતું.