માત્ર વિરોધના આધારે જૂનું મીટર પાછું લગાવવાની માગ સ્વીકારી શકાય નહીં : જીઇઆરસી વીજ લોકપાલનો ચુકાદો
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.5 : ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (જીઈઆરસી)ના
વીજ લોકપાલએ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે વીજ વિતરણ કંપનીઓ પ્રવર્તમાન
કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવી શકે છે.
આ પ્રક્રિયા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ મેળવવી જરૂરી નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ
કરીને ગ્રાહક જૂનું પરંપરાગત મીટર ફરી લગાવવાની માગ કરી શકે નહીં.
આ ચુકાદો
મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ એમજીવીસીએલ (લાલબાગ ડિવિઝન, વડોદરા)ના કેસમાં અપાયો
છે. આ કેસમાં ગ્રાહકનો દાવો હતો કે, અમારી મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવાયું, જેના
કારણે બેન્કની ઓટો-ડેબિટ સુવિધા ખોરવાઈ અને બાદમાં તેમનો વીજ પુરવઠો કાપી નાખવામાં
આવ્યો. આ અંગે એઅજીવીસીએલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, સ્માર્ટ મીટરનું સ્થાપન ઇલેક્ટ્રિસિટી
એક્ટ ર003, સીઈએ મીટરિંગ રેગ્યુલેશન્સ, ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર) રૂલ્સ
અને જીઇઆરસી સપ્લાય કોડ અંતર્ગત કરાયું છે. એટલું જ નહીં, બેન્ક ઓટો-ડેબિટની સમસ્યાને
મીટરના પ્રકાર સાથે કોઈ લેવા-દેવા નથી. વીજ લોકપાલે ગ્રાહકની અપીલને ફગાવી દેતા ગ્રાહક
તકરાર નિવારણ ફોરમના નિર્ણયને યથાવત્ રાખ્યો છે અને મહત્ત્વના મુદ્દા સ્પષ્ટ કર્યા
છે. જેમ કે, કાનૂની જોગવાઈઓ હેઠળ સ્માર્ટ મીટર સ્થાપિત કરવું સંપૂર્ણપણે કાયદેસર છે
અને તેના માટે ગ્રાહકની મંજૂરી લેવી જરૂરી નથી. ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ
ખામી કે બાલિંગની ગરબડ સાબિત કરી શક્યા નથી. જો ગ્રાહકને સ્માર્ટ મીટરની ચોકસાઈ બાબતે
કોઈ શંકા હોય, તો તેઓ થર્ડ-પાર્ટી લેબોરેટરીમાં મીટર ટેસ્ટિંગ કરાવી શકે છે પરંતુ માત્ર
વિરોધના આધારે જૂનું મીટર પાછું લગાવવાની માગ સ્વીકારી શકાય નહીં.
મહત્ત્વનું
છે કે, આ આદેશ જીઇઆરસીના વીજ લોકપાલ દ્વારા આપેલો કાયદેસરનો ક્વૉસી જ્યુડિશિયલ એટલે
કે ‘અર્ધ-ન્યાયિક’ આદેશ છે. જીઈઆરસી વીજ લોકપાલ, ગ્રાહક ફોરમ, ટેક્સ ટ્રિબ્યુનલ વગેરે
અર્ધ-ન્યાયિક સંસ્થાઓ છે, જેમના દ્વારા આપેલા આદેશ કાનૂની રીતે બંધનકર્તા હોય છે.