પીઓકેના સંગઠને વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું, વિરોધ પ્રદર્શનનું કાશ્મીરના લોકો સમર્થન કરે
નવી
દિલ્હી, તા. 5 : પાકિસ્તાનના અવૈધ કબજાના પીઓકેમાં સરકાર વિરોધી જનઆંદોલનને કચડવા માટે
ઈસ્લામાબાદ સતત અમાનવીય રસ્તો અપનાવી રહ્યું છે. આ દરમિયાન પીઓકેના સંગઠન જમ્મુ કાશ્મીર
જોઇન્ટ આવામી એક્શન કમિટી (જેએએસી)ના મુખ્ય સભ્ય સરદાર ખાને વીડિયો સંદેશ જાહેર કરીને
વિરોધ પ્રદર્શનમાં વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે ભારતના
નાગરીકો, ખાસ કરીને શ્રીનગરના લોકોને વિરોધ પ્રદર્શનનું સમર્થન કરવા માટે અપીલ કરી
હતી.
વીડિયોમાં
સરદાર અમન ખાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેઓ વીડિયો મારફતે જમ્મુ કાશ્મીર ઘાટી
ખાસ કરીને શ્રીનગરના લોકો સાથે વાત કરી રહ્યા છે. પીઓકેમાં પાકિસ્તાની દબાણ અને દમનનો
સામનો કરતા એક મહિનો થયો છે. પાયાના અધિકારોની માગણી કરતા લોકો સાથે અન્યાય, નરસંહાર
અને સૈન્ય આક્રમકતા થઈ છે. ખૂબ જ મુશ્કેલ સમયમાં ખાવાપીવાની વસ્તુઓ અને દવાના રસ્તા
બંધ કરી દેવાયા છે. આવા મુશ્કેલ સમયમાં તેઓ શ્રીનગર, પુંચ, મેંઢર, રાજૌરી, જમ્મુ, ઘાટી,
લદ્દાખ અને કારગિલના લોકોને અપીલ કરે છે કે વિરોધ પ્રદર્શનને સમર્થન કરવામાં આવે.
આ પહેલાં
30 જૂનનાં સંગઠને પાકિસ્તાની અધિકારીઓ અને દમનકારી નીતિઓની નિંદા કરી હતી. જેના હેઠળ
વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળને પીઓકેમાં જતા રોકી દેવાયા હતા. કમિટીએ આ કાર્યવાહીને
લોકતંત્રના અધિકારો અને રાજનીતિક અસહમતી દબાવવાનો પુરાવો કહ્યો હતો. આ ઉપરાંત બીજી
જુલાઈના રોજ નેશનલ એન્ટી ટેરેરિઝમ ફ્રન્ટ ઇન્ડિયાએ યુનો કાર્યાલયની બહાર પીઓકેના સંકટ
મુદ્દે પ્રદર્શન કર્યું હતું.