બરવાળા 7, ખાંભા 6, ડોળાસા-સાવરકુંડલા 5 , રાણપુર-લીલીયા 4.25, બોટાદ-બગસરા-જાફરાબાદ 4, ગઢડા 3, મહુવા-ગારીયાધાર 2.5, અમરેલી-2, વડિયા 1.5 ઇંચ
ધારાબંદર
વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સલામત સ્થળે ખસેડાયા
બોરાળા
ગામનો પૂર સંરક્ષણ પાળો તૂટી જતાં ગામ સંપર્કવિહોણું
ઓલીયા
નજીક સ્ટેટ હાઇવે ધોવાઈ જતાં અમરેલી-સાવરકુંડલા માર્ગ બંધ
લાપાળીયામાં
કરેણ નદીના પાણી ઘૂસતાં ગામ બેટમાં ફેરવાયું
જોલાપુરી
નદીમાં ઘોડાપૂર આવતાં પાણી ગામમાં ઘૂસ્યા, ડુંગર ગામમાં 15 જેટલા મકાનોમાં બેથી ત્રણ
ફૂટ પાણી ભરાતા ઘરવખરીને નુકસાન
નાવલી
નદી ગાંડીતૂર, સાવરકુંડલા-અમરેલી હાઈવે તૂટ્યો, ચેકડેમનો પાળો ધરાશાયી
રાજકોટ
તા.5
સૌરાષ્ટ્રમાં
મેઘરાજાએ પ્રચંડ હેલી સાથે ધમાકેદાર ઇનિંગ રમીને સમગ્ર પંથકને બાનમાં લીધું છે. અમરેલી,
ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં આકાશી આફત ઉતરી હોય તેમ ખાંભામાં 10 ઇંચ અને
રાજુલામાં 9.5 ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ જળતાંડવના દ્રશ્યો સર્જાયા છે. નદીઓ બે
કાંઠે થતાં ગામડાઓ સંપર્કવિહોણા બન્યા છે, સ્ટેટ હાઇવે ધોવાઈ ગયા છે અને સેંકડો પરિવારોને
સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આજે અમરેલી જિલ્લામાં જળતાંડવ જેવી સ્થિતિનું
નિર્માણ થયું હતું. નદી-નાળા બે કાંઠે વહેવા લાગતા ઘણા ડેમ ઓવરફલો થતા રસ્તાઓ ધોવાય
ગયા હતા. તો ખેતરોમાં પાણીથી તરબોળ થઇ ગયા છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં હાલ સમગ્ર
તંત્ર યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોતરાયું છે. તો સારો વરસાદ થઇ જતા એમુક વિસ્તારમાં
ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે.
અમરેલી
: જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બાટિંગ કરતાં જાફરાબાદ, રાજુલા,
ખાંભા, સાવરકુંડલા, ધારી, ચલાલા, લીલીયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ભારે વરસાદને પગલે નદી-નાળા અને ડેમોમાં પાણીની ભારે આવક થતાં અનેક સ્થળોએ પૂર જેવી
સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના જાફરાબાદ પંથકના
કોસ્ટલ બેલ્ટમાં રાતભર ધોધમાર વરસાદ વરસતા વઢેરા, કડિયાળી, નાગેશ્રી, હેમાળ, મિતિયાળા,
બાબરકોટ સહિતના ગામોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધારાબંદર વિસ્તારમાં વરસાદી
પાણી ઘૂસી જતાં સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ
સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી ફૂડ પેકેટની વ્યવસ્થા કરાવી અને લોકોને સાવચેત
રહેવા અપીલ કરી હતી. રાજુલા તાલુકામાં બીજા દિવસે પણ અનરાધાર વરસાદ વરસતાં શહેર તથા
ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. પીપાવાવ પોર્ટ માર્ગ પર અંદાજે બે ફૂટ પાણી
ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોલાપુર ગામમાં જોલાપુરી નદીમાં
ઘોડાપૂર આવતાં પાણી ગામમાં ઘૂસ્યા હતા, જ્યારે ડુંગર ગામમાં 15 જેટલા મકાનોમાં બેથી
ત્રણ ફૂટ પાણી ભરાતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ પૂર સંરક્ષણ પાળો બનાવવાની
માંગ ઉઠાવી છે. ખાંભા તાલુકામાં સૌથી વધુ અંદાજે આઠ ઇંચ વરસાદ નોંધાતા રાયડી ડેમમાં
પાણીની ભારે આવક થઈ હતી. ડેમના દરવાજા ખોલવાની ફરજ પડતાં મોટા બારમણ, નાના બારમણ, ચોતરા,
મીઠાપુર અને નાગેશ્રી સહિતના નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.
બાઢડા પાસેનો ક્રોઝવે પાણીમાં ગરકાવ થતાં મહુવા સ્ટેટ હાઇવે બંધ કરાયો હતો. બોરાળા
ગામનો પૂર સંરક્ષણ પાળો તૂટી જતાં ગામ સંપર્કવિહોણું બન્યું હતું. ઓલીયા નજીક સ્ટેટ
હાઇવે ધોવાઈ જતાં અમરેલી-સાવરકુંડલા માર્ગ બંધ થયો હતો. લાપાળીયા ગામમાં કરેણ નદીના
પાણી ઘૂસતાં ગામ બેટમાં ફેરવાયું હતું, જ્યારે ધારી પંથકમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી
નદીમાં પૂર આવ્યું હતું. ગોખરવાળા નજીક નદીમાં ઘોડાપૂર આવતા ગાંધી બ્રિજ પરથી પાણી
વહેતાં ધારી-જૂનાગઢ માર્ગ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ચલાલા વિસ્તારમાં ત્રણ
કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાતા અમરેલી, ઢોલરવા અને મીઠાપુર ડુંગરી તરફના માર્ગો પાણીમાં
ગરકાવ બન્યા હતા. ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. લીલીયા તાલુકામાં
માત્ર ત્રણથી ચાર કલાકમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસતા નાવલી અને ખારી નદીઓ બે કાંઠે
વહેવા લાગી હતી. જિલ્લામાં વરસાદની સ્થિતિ મુજબ ખાંભામાં અંદાજે 8 ઇંચ, રાજુલામાં
7 ઇંચ, જાફરાબાદ અને સાવરકુંડલામાં 4-4 ઇંચ, ધારી, બગસરા અને લાઠીમાં 2-2 ઇંચ, અમરેલીમાં
દોઢ ઇંચ તથા બાબરા અને વડિયા-કુકાવાવમાં આશરે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને
પગલે જિલ્લામાં અનેક માર્ગો બંધ રહ્યા, નદીઓમાં પૂર આવ્યું અને જનજીવન પર વ્યાપક અસર
જોવા મળી હતી. ધારી તાલુકા પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડીયાર સિંચાઈ યોજનામાં ભારે
પાણીની આવક થતાં આજે તા.5ના રોજ સાંજે 7:30 કલાકે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના
9 દરવાજા 0.31 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલમાં અંદાજે 59,490 ક્યુસેક
(1,684.55 ક્યુમેક્સ) પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે શેત્રુંજી નદીના નીચાણવાળા
વિસ્તારોમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. નદીકાંઠાના અસરગ્રસ્ત ગામોના લોકોને
સાવચેત રહેવા, નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ જરૂરી જણાય તો સલામત સ્થળે ખસી જવા અપીલ
કરી છે.
બગસરા
: પંથકમાં ગઈકાલ રાતથી આજે સાંજ સુધીમાં 136 મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂર જોવા મળ્યું છે. શહેરમાં પ્રથમ વખત સ્થાનિક હોકળાઓમાં
પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બગસરાથી ડેરી પીપરીયા જવાના રસ્તા પર રહેતા
ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે અહીં રહેતા લોકો પોતાના માથા પર પોટલા
લઈને બહાર નીકળતા પણ જોવા મળ્યા છે. જ્યારે જગતનો તાત ખુશીની લહેર જોવા મળી રહી છે.
શહેરના નીચાણવાળા વિસ્તાર શાક માર્કેટ, કુકાવાવ નાકા તેમજ હોસ્પિટલ રોડ જેવા વિસ્તારો
ગોઠણ સુધી પાણી ભરાયા હતા. જયારે બગસરાની જીવાદોરી સમાન મૂંજીયાસાર ડેમમાં પાણી માત્ર
6 ફૂટ જેવું રહેલું હતું પરંતુ પ્રથમ વરસાદમાં 14 એમસીએફટી જેવી પાણીની આવક થતા હાલ
ડેમમાં પાણી 8.50 ફૂટની સપાટી પર પહોચી ગઇ છે.
બોટાદ
: જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરતાં વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે.
સતત વરસેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને ખરીફ પાકની વાવણીને પણ વેગ
મળ્યો છે. વરસાદના કારણે ખેતરોમાં પૂરતું ભેજ મળતાં ધરતીપુત્રોમાં નવી આશા જાગી છે.
અનેક વિસ્તારોમાં વાવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે બાકીના ખેડૂતો પણ હવે વાવણીના
કામમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બરવાળા તાલુકામાં નોંધાયો છે, જ્યાં
190 મિ.મી. એટલે કે અંદાજે 7.09 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાણપુર તાલુકામાં 110 મિ.મી.
(4.33 ઇંચ), બોટાદ તાલુકામાં 95 મિ.મી. (3.74 ઇંચ) અને ગઢડા તાલુકામાં 72 મિ.મી. (2.83
ઇંચ) વરસાદ નોંધાયો હતો. સારા વરસાદને પગલે તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક શરૂ
થઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા
: શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર
વરસાદના પગલે નાવલી નદી ગાંડીતૂર બની બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં આવેલા ભારે પૂરને
કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ
જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે
વરસાદના કારણે સાવરકુંડલા-અમરેલી હાઈવેને પણ મોટું નુકસાન થયું છે. હાઈવેનો ભાગ તૂટી
જતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે અને વાહનોની અવરજવર મુશ્કેલ બની છે. હનુમાનજી આશ્રમ
પાસે આવેલા ચેકડેમનો પાળો પણ ભારે પાણીના પ્રવાહ સામે ધરાશાયી થયો છે. ધારાસભ્ય મહેશભાઈ
કસવાળાએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
ડોળાસા
: કોડીનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામમાં મેઘમહેર યથાવત રહી છે. વધુ પાંચ ઇંચ
વરસાદ પડી જતા મોટા ભાગના ખેતરો તળાવ બન્યા છે.
માળીયા
હાટીના : તાલુકામાં 3 દિવસમાં 30 ઇચ વરસાદ
પડતા અનેક ગામના ખેતરોમાં ધોવાણ થયું છે. ખેડૂતો
મુશ્કેલીમાં મુકાયા છે. લાઠોદરા વિસ્તોરમાં ખેતરોની પરિસ્થિતિ ભયંકર કફોડી છે. આમ એકી
સાથે માળિયા હાટીના વિસ્તારોમાં 30 ઇચ વરસાદના કારણે અનેક ખેડૂતના ખેતરોનું ધોવાણ થઈ
ગયું છે.
કુકસવાડા
: કુક્સવાડા પંથકમાં 22થી 25 ઈચ વરસાદ વરસ્યો
છે. જેને લઇને નદીઓ ગાંડીતુર બનતા રસ્તાઓ ધોવાઇ ગયા છે. સોમનાથ-દ્વારકા હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને
બંધ થયો હતો. ઉપરાંત પણ અનેક રસ્તો બંધ થયા અને વાહન વ્યવહાર બંધ થયો હતો. પરિણામે
મુસાફરો કલાકો ફસાયા હતા. તેમની ગામલોકો દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૌ
સેવા હોસ્પિટલ તથા ભોલેનાથ ગ્રુપ વગેરે યુવાનોએ 200 લોકોને પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ગારીયાધાર
: શહેર અને પંથકમાં ગઈકાલે રાત્રિના બે કલાક બાદ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તળાવ
અને ચેકડેમોમાં નવા નીરની આવક થવા પામી હતી. હળવા ભારે વરસાદી માહોલમાં ગારીયાધાર શહેરમાં
54 મીમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન પચેગામ રોડ, રૂપાવટી રોડ, નવાગામ રોડ ખાડી
અને મીઠા કુવા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.
ભાવનગર
: જિલ્લાના મહુવા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ કરતાં છેલ્લા દોઢ દિવસથી અનરાધાર
વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર મહુવા શહેર અને આસપાસના વિસ્તારોમાં
જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે માલણ નદીમાં ઘોડાપૂર આવતાં નદી
બે કાંઠે વહેતી થઈ છે, જ્યારે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવનને
વ્યાપક અસર પહોંચી છે. મહુવામાં ગત રાત્રિથી શરૂ થયેલો ભારે વરસાદ આજે દિવસ દરમિયાન
પણ યથાવત રહ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસતાં સ્થાનિક
લોકો પરેશાન બન્યા હતા. વરસાદના આંકડા મુજબ મહુવામાં આજે સવારથી સાંજ સુધીમાં 62 મી.મી.
વરસાદ નોંધાયો હતો, જ્યારે છેલ્લા 36 કલાક દરમિયાન કુલ 216 મી.મી. એટલે કે 8 ઇંચથી
વધુ વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ગારીયાધારમાં
14 મી.મી., જેસરમાં 14 મી.મી., શિહોરમાં 4 મી.મી., તળાજામાં 6 મી.મી. અને પાલીતાણામાં
3 મી.મી. વરસાદ નોંધાયો હતો.