• ગુરુવાર, 16 જુલાઈ, 2026

મોટાદડવામાં માતા-પુત્રીએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું

ગોંડલ, તા.15: ગોંડલ તાલુકાના મોટાદડવા ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 30 વર્ષીય નેહલબેન અરાવિંદભાઈ છાપરાએ પોતાની ચાર વર્ષની માસૂમ પુત્રી દેવાંગી સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા અરાવિંદભાઈના પત્ની અને પુત્રી ગઈકાલ સવારથી અચાનક ગુમ થયા હતા. પરિવારજનોએ મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં બન્નેનો કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ આજે બપોરે ગામના રામજી મંદિર નજીક આવેલા એક કૂવામાંથી બન્નેના મૃતદેહ તરતા જોવા મળતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

બનાવની જાણ થતાં જ ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને માતા-પુત્રીના મૃતદેહ બહાર કાઢયા હતા અને તેને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. આ ઘટનાના પગલે જશદણના એએસપી અને આટકોટ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. અરાવિંદભાઈના માતા-પિતાનું અગાઉ જ અવસાન થઈ ચૂક્યું હોય, હવે પત્ની અને એકમાત્ર પુત્રીની અકળ વિદાયથી તેઓ સાવ એકલા પડી ગયા છે. નેહલબેને કયા અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક