વિરોધી પ્રદર્શનોને કચડી નાખવા માટે તમામ હદ પાર કરશે પાકિસ્તાન!
નવી દિલ્હી, તા.1પ: આતંકવાદનો રાજકીય અને કૂટનૈતિક હથિયાર તરીકે ઉપયોગ કરતાં આવેલા પાકિસ્તાને હવે કબ્જાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં ચાલતાં વિરોધી આંદોલનને કચડી નાખવા માટે નીચતાની હદ પણ પારી કરી છે. એક ગુપ્તચર અહેવાલ અનુસાર પાકિસ્તાની સેના અને જાસૂસી સંસ્થા આઈએસઆઈ આ શાંતિપૂર્ણ જનઆંદોલનને બદનામ કરવા અને ઠારી દેવા માટે ભીડમાં આતંકવાદીઓને ઘૂસાડવાનો કારસો કરી રહ્યાં છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુઝફ્ફરાબાદ કૂચથી પહેલા જ પાકિસ્તાની સેના લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ખૂંખાર આતંકવાદી સંગઠનનાં આતંકવાદીઓને પ્રદર્શનોની ભીડમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. જે આંદોલન દરમિયાન સુરક્ષાદળો ઉપર જ હુમલા કરશે અને અંધાધૂંધી ફેલાવશે. જ્યારે આંદોલન હિંસક બની જાય તો પાક. સેના તેને દેશ વિરોધી આતંકી કારસો ગણાવીને તેને દબાવી નાખવાની તક ઝડપી લેશે. જેમાં આમજનતા વિરુદ્ધ સૈન્ય અને આતંક વિરોધી કાર્યવાહીનાં નામે અત્યાચાર કરવામાં આવી શકે છે.