રાજકોટ અને જૂનાગઢમાં ઝાપટાં, જામનગરમાં હજી પણ વરસાદની ચાતક નજરે રાહ
રાજકોટ, તા.15: આજથી અષાઢ મહિનાની શરૂઆત થતાંની સાથે જ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી છે. ક્યાંક પવન સાથે વરસાદી ઝાપટાં પડયાં છે તો ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર અમી છાંટણા થતાં લોકો ઉકળાટથી તો ખેડૂતો વરસાદના અભાવે ચિંતામાં મુકાયા છે.
રાજકોટમાં આજે સવારે અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. માત્ર અડધા કલાકમાં જ 6 મિમી વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
જૂનાગઢ : વહેલી સવારે જોરદાર ઝાપટું પડી ગયું હતું, જેના કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. બપોર સુધી ઝરમરિયાં ઝાપટાં પડયા બાદ વાતાવરણ ઉઘડયું હતું.
માળિયા હાટીના: છેલ્લા 12 દિવસના લાંબા વિરામ બાદ સાંજે 7 વાગ્યે વરસાદી આગમન થયું હતું. જોકે, માત્ર પાંચ જ મિનિટ વરસાદ પડતાં રોડ-રસ્તા ભીના કરીને મેઘરાજા શાંત થઈ ગયા હતા.
જામનગર: શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ રહ્યા છે, પરંતુ નોંધપાત્ર વરસાદ ન થતાં ખેડૂતો અને શહેરીજનોમાં નિરાશા વ્યાપી છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા પછી કેટલાક વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા પડયા હતા. આજે સવારે લાલપુર વિસ્તારમાં માત્ર 3 મીમી જેટલો વરસાદ નોંધાયો છે, તે સિવાય જિલ્લામાં ક્યાંય સારો વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતો હવે આતુરતાપૂર્વક આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.
ચોમાસું ફરી સક્રિય: આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
અમદાવાદ, તા. 15: છેલ્લા ઘણા સમયથી વિરામ બાદ હવે રાજ્યમાં ચોમાસું ધીમે-ધીમે જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત્ રહેશે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સેટેલાઇટ તસવીરો અનુસાર, હાલમાં આકાશમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ એમ એક સાથે ચાર શક્તિશાળી સિસ્ટમ કાર્યરત થઇ છે. આ ચાર સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે અરબી સમુદ્ર તરફથી ભારે ભેજવાળા પવનો ફૂંકાશે, જેના લીધે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.
આવતીકાલે અષાઢી બીજના પાવન પર્વે રથયાત્રા યોજાનાર છે, ત્યારે વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાને કારણે આ વર્ષે રથયાત્રા દરમિયાન ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે અમીછાંટણા થવાની સંભાવના હવામાન ખાતુ જોઇ રહ્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી દિવસોમાં સક્રિય થયેલી સિસ્ટમ આ વરસાદી ઘટ પૂરી કરશે તેવી આશા છે.