ઇતિહાસમાં પહેલીવાર પોલીસના ખભા પર ચમકશે મિનિ એમ્બર લાઇટ; ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમથી સમગ્ર રૂટ પર રખાશે બાજ નજર
રાજકોટ, અમદાવાદ, તા.15: ગગનમાં ગુલાલની છોળો, હવામાં ભક્તિની સુવાસ અને આખા નગરમાં એક જ નાદ... ‘જય રણછોડ, માખણ ચોર ! આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા નીકળશે. અષાઢી બીજના પવિત્ર દિવસે સૌ કોઈ નાથના દર્શન કરવા આતુર છે. પ્રભુના મોસાળ સરસપુરની પોળોમાં હજારો કિલો મોહનથાળ અને ફૂલવડીના પ્રસાદ સાથે ભક્તોની આગતાસ્વાગતા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, તો બીજી તરફ વડાપ્રધાનના વિશેષ પ્રસાદ અને કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિએ ઉત્સાહ બેવડાવ્યો છે.
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં પરંપરાગત ભક્તિનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં જોડાનારા સાધુ-સંતો, લાખો શ્રદ્ધાળુઓ અને સુરક્ષા જવાનો માટે સ્થાનિક રહીશો દ્વારા રાત-દિવસ એક કરીને ભોજનની ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પોળો અને શેરીઓના રસોડામાં હજારો કિલો શુદ્ધ ઘીનો મોહનથાળ અને લાઈવ ફૂલવડી તૈયાર કરાયા છે જ્યારે વહેલી સવારથી જ ભક્તોને ગરમ અને તાજો પ્રસાદ પીરસવા માટે બટેકાનું શાક, મિક્સ શાક, પૂરી અને દાળ-ભાત બનાવવાની તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. સરસપુરની દરેક ગલીઓમાં અત્યારે માત્ર ‘જય જગન્નાથ’ અને ‘જય રણછોડ’ના નારા ગુંજી રહ્યા છે.
મિનિ એમ્બર લાઇટ અને એઆઇ કેમેરા સાથે ઝીરો રિસ્ક સુરક્ષા
અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રા સવારે 7:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ઝીરો રિસ્ક પોલિસી હેઠળ લોખંડી આયોજન કરાયું છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં એક આધુનિક અને અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં ભીડ વચ્ચે ફરજ બજાવતા 1000થી વધુ પોલીસ કર્મચારીઓના ખભા પર લાલ અને વાદળી રંગની મિનિ એમ્બર લાઇટ લગાવવામાં આવી છે. આ બેટરી સંચાલિત લાઈટોના કારણે રાત્રિના સમયે કે ભીડમાં પણ પોલીસ જવાનો દૂરથી સ્પષ્ટ દેખાશે અને લોકો સરળતાથી તેમનો સંપર્ક કરી શકશે.
રથયાત્રાનું વ્યવસ્થાપન અને ભવ્યતા
રૂટની લંબાઈ : 16.2 કિલોમીટર (26 રેન્જ, 53 એરિયા અને 1,397 પોઈન્ટ્સ)
સુરક્ષા જવાનો : 30,000 થી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 9 પેરામિલીટરી કંપનીઓ
ઉચ્ચ પોલીસ અધિકારી : 10 આઇજી-ડીઆઇજી, 42 ડીસીપી અને 88 એસીપી
યાત્રાનો મુખ્ય કાફલો : 3 મુખ્ય રથ, 18 ગજરાજ (હાથી), 103 ટ્રક અને 30 અખાડા
ટેકનોલોજીકલ કવચ : 3600 સીસીટીવી, 100 ડ્રોન, એઆઇ ફેસ રેકગ્નિશન અને બોડી વોર્ન કેમેરા