• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ગુજરાતમાં ચાંદીપુરાનો વધતો પ્રકોપ, 4 વર્ષની બાળકીનું મૃત્યુ

-બહુચરાજીના દેલવાડાની બાળકીએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા : ભાવનગરમાં વધુ એક કેસ, ધ્રોલના રોજિયામાં મૃત્યુ પામેલા બાળકનો રિપોર્ટ ‘નેગેટિવ’ આવ્યો

અમદાવાદ, જામનગર, ભાવનગર, તા.29 : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે આ વાયરસને લીધે મહેસાણા જિલ્લામાં એક બાળકીએ દમ તોડયો છે. આશ્ચર્ય એ વાતનું પણ છે કે, કેટલાક કેસોમાં બાળકોના નેગેટીવ રિપોર્ટ આવ્યાં બાદ પણ મૃત્યુ થઈ રહ્યાં છે, સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધ્રોલના રોજિયા ગામમાં મૃત્યુ પામેલા બાળકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, બીજી તરફ ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાનો વધુ એક કેસ સામે આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની દ્વારિકા જીગરગીરી ગોસાઈ નામની ચાર વર્ષીય બાળકીને ગત તા.26ને રવિવારે અચાનક તીવ્ર તાવ અને ઉલટીની ફરિયાદ શરૂ થતાં પરિવારે તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. બાળકીના લક્ષણો શંકાસ્પદ જણાતાં આરોગ્ય વિભાગે તેના બ્લડ સેમ્પલ ચકાસણી અર્થે ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. સોમવારે આવેલા લેબોરેટરી રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જ બાળકીને વધુ સઘન સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતાં.

ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. ગત તા. 9 જુલાઈએ મેલાણા ગામના બાળકનું ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થયાની સત્તાવાર પુષ્ટિ બાદ હવે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયેલા ત્રણ શંકાસ્પદ બાળ દર્દીઓમાંથી કાળતળાવ ગામના 9 માસના બાળકનો ગાંધીનગર સ્થિત જીબીઆરસી લેબનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ફરી દોડતું થયું છે. બીજી તરફ મેલાણા અને ગણેશગઢ ગામની બે બાળકીના રિપોર્ટ નેગેટિવ આવતા તબીબોએ રાહતનો શ્વાસ લીધો છે.

બીજી તરફ ધ્રોલ તાલુકાના રોજિયા ગામના મૃત્યુ પામેલા બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક વર્ષના બાળકે ગણતરીની કલાકોમાં દમ તોડયો હતો. હાલમાં જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બંને બાળકની તબિયતમાં નોંધપાત્ર સુધારો હોવાનું તબીબોએ જણાવ્યું છે. જામનગર શહેર-જિલ્લાના 3 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 બાળક મળી હાલારમાં સોમવાર સુધી ચાંદીપુરાના 6 શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન 4 બાળકના મૃત્યુ નિપજ્યાં હતાં જેમના રિપોર્ટ નેગેટીવ આવ્યાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક