વિશ્વ સિંહ દિવસની ઉજવણીના આગલા દિવસે જ બનાવ ; માલધારીઓના પશુધનના વળતર સહિતના પ્રશ્નો મુખ્યમંત્રી સુધી પહોંચાડાયા
પોરબંદર, તા.9 : બરડા આદિવાસી
વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે બરડા ડુંગર વિસ્તારમાં વિશ્વ આદિવાસી દિવસની 7મી ઉજવણી કરવામાં
આવી હતી. સમાજના આગેવાનો, માલધારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે,
કાર્યક્રમ સ્થળની નજીક જ માલધારીના ઊંટ પર સિંહે હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી
હતી. ઊંટને ગંભીર ઈજા થઈ હતી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીના આગલા દિવસે બનેલી આ ઘટનાએ
બરડા વિસ્તારમાં માલધારીઓની સલામતીનો પ્રશ્ન ફરી ચર્ચામાં લાવ્યો છે.
કાર્યક્રમમાં બરડા આદિવાસી વિકાસ
ટ્રસ્ટના પ્રમુખ ભાયાભાઈ ગુરગટિયા, ઉપપ્રમુખ પાલાભાઈ ગુરગટિયા સહિત આગેવાનો ઉપસ્થિત
રહ્યા હતા. વક્તાઓએ માલધારી સમાજની પરંપરા અને સંસ્કૃતિ જાળવવા સાથે શિક્ષણને પ્રાધાન્ય
આપવા અપીલ કરી હતી. આ વર્ષે દુષ્કાળ અને સિંહના ભયથી હાજરી ઓછી રહી હતી. દર વર્ષે સારા
વરસાદમાં મોટી સંખ્યામાં માલધારીઓ અને ઊંટો સાથે કાર્યક્રમમાં જોડાય છે, પરંતુ આ વર્ષે
પશુધનની સલામતી માટે અનેક માલધારીઓ ખેતરે રોકાયા હોવાનું જણાવાયું હતું.
વક્તાઓએ બરડા ડુંગરને માલધારીઓની
જીવાદોરી ગણાવી હતી. રાણ્યું, કરમદા, ટીમરવા અને આમળા જેવી વનસ્પતિ પર તેમનું જીવનનિર્વાહ
આધારિત હોવાનું જણાવ્યું હતું. સરકાર દ્વારા માલધારીઓના સ્થળાંતર માટે પ્રોજેક્ટ તૈયાર
કરાયો છે અને હક-હિસ્સો મળવાની આશા વ્યક્ત કરાઈ હતી. 17 જેટલા સિંહ બરડા જંગલમાં વસવાટ
કરતા હોવાથી હવે માલધારીઓનં જીવવં મુશ્કેલ બન્યું છે. માલધારીઓના પશુધનના વળતર સહિતના
પ્રશ્નો મુખ્યમંત્રી સુધી પહોંચાડાયા હોવાનું જણાવાયું હતું. 1953થી પડતર પ્રશ્નોની
ફાઈલ રેન્જરને સુપરત કરાઈ હોવાનું કહી ટૂંક સમયમાં ઉકેલની ખાતરી આપવામાં આવી હતી. બાળકોને
શિક્ષણ અપાવવા તથા મોબાઈલના અયોગ્ય ઉપયોગથી દૂર રહેવા પણ અપીલ કરાઈ હતી.