• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

હુમલાખોર સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરાશે

વન વિભાગનો માનવ અને પશુ સંઘર્ષ ઘટાડવા 100 હેક્ટર વિસ્તારમાં સિંહો માટે સીમિત ક્ષેત્ર બનાવવા નિર્ણય

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.9 : માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને ખાસ સીમિત ક્ષેત્રમાં રાખવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.  મેરિલાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં એક ખાસ સીમિત ક્ષેત્રના નિર્માણ માટે વન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને આ ક્ષેત્રમાં તેમની કુદરતી હેબિટેટ અંતર્ગત રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિહ સંરક્ષણ-સંવર્ધનની યોજનાઓ અને પ્રોજેક્ટ્સનું અસરકારક અમલીકરણ કર્યું છે. સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે 10 ઓગષ્ટે ‘િવશ્વ સિંહ દિવસ’ મનાવવામાં આવે છે. આ અંગે અગ્રમુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ, ડૉ. જયપાલ સિંઘે જણાવ્યું કે, માનવ  હુમલામાં સંડોવાયેલા સિંહોને સીમિત ક્ષેત્રમાં રાખવા માટે આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરીને તેમને અનુકૂળ વાતવરણ અંતર્ગત રાખવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે અને તે અંગેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

મનુષ્યો અને વન્યજીવો વચ્ચે સંઘર્ષ ઘટાડવા, પ્રાણીઓને સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવા, જૈવિક સંતુલન જાળવવા અને પ્રજાતિઓના લાંબા ગાળાનાં સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા સમયાંતરે વૈજ્ઞાનિક રીતે સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવે છે.

વન્ય પ્રાણીઓના સ્થળાંતર પાછળ સામાન્ય રીતે અનેક કારણો જવાબદાર હોય છે જ્યારે પ્રાણી ગામડાં કે વસ્તીવાળા વિસ્તારોમાં ઘૂસી જાય ત્યારે તેને સુરક્ષિત રીતે પકડીને જંગલમાં પાછું છોડવામાં આવે છે. આ ઉપરાંત, ઘાયલ કે બીમાર પ્રાણીઓની સારવાર માટે, વસ્તી નિયંત્રણ અને યોગ્ય રહેઠાણ (હેબિટેટ) પૂરું પાડવા માટે પણ સ્થળાંતર કરવામાં આવે છે. સિંહ અને દીપડાના કિસ્સામાં ઘણી વખત તેઓ ખેતરો કે રહેણાક વિસ્તારોમાં ભટકી જતાં હોવાથી તેમને પકડીને સુરક્ષિત અભયારણ્ય કે જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે.

અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગુજરાતનું એક મહત્ત્વપૂર્ણ વન્યજીવ પ્રવાસન કેન્દ્ર છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલું આ પાર્ક ગીરના કુદરતી પર્યાવરણનો અનુભવ કરાવે છે. અહીં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડો, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર અને વિવિધ પક્ષીઓનું સંરક્ષણ કરવામાં આવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક