હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર 52 ના પદ સામે કુલ 33 ન્યાયાધીશ કાર્યરત
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
તા.9: ગુજરાત હાઈકોર્ટને ટૂંક સમયમાં વધુ
એક ન્યાયાધીશ મળવાની પ્રક્રિયા આગળ વધી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે ઓરિસ્સા હાઈકોર્ટના
જસ્ટિસ માનશ રંજન પાઠકને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે ટ્રાન્સફર કરવાની ભલામણ
કરી છે. આ નિર્ણય ગુજરાતની ન્યાયિક પ્રણાલી માટે એક મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં
આવી રહ્યો છે.હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં મંજૂર 52 ન્યાયાધીશના પદ સામે કુલ 33 ન્યાયાધીશો
કાર્યરત છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ માનશ રંજન પાઠક ગુજરાત હાઈકોર્ટમાં
પોતાનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂક બાદ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા
વધીને 34 થશે.
નવા ન્યાયાધીશના આગમનથી હાઈકોર્ટમાં
પેન્ડિંગ કેસોનો ભાર ઘટાડવામાં અને ન્યાય વિતરણ પ્રણાલીને વધુ અસરકારક બનાવવામાં નોંધપાત્ર
મદદ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમની આ ભલામણ બાદ
હવે રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરી ક્યારે મળે છે અને જસ્ટિસ માનસ રંજન પાઠક ક્યારે ગુજરાત
હાઈકોર્ટમાં જોડાશે તેના પર સૌની નજર રહેશે.
કોણ છે જસ્ટિસ માનશ રંજન પાઠક
જસ્ટિસ માનશ રંજન પાઠકનો જન્મ
28 ઓગસ્ટ 1965ના રોજ ગુવાહાટી ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ હરિપ્રિયા વિદ્યાપીઠ
(કુમારપારા, ગુવાહાટી) અને માધ્યમિક શિક્ષણ એમ.સી.એમ.ઈ સ્કૂલ ગુવાહાટીમાંથી મેળવ્યું
હતું. ત્યારબાદ ગુવાહાટીના અંબારી તથા ખાનાપારામાં કેન્દ્રીય વિદ્યાલયમાંથી ઉચ્ચ માધ્યમિક
અભ્યાસ કર્યો હતો.બેંગ્લોર યનિવર્સિટીની સેંટ જોસેફ કોલેજમાંથી આર્ટ્સના સ્નાતકની ડિગ્રી
મેળવી હતી તથા ગુવાહાટી યુનિવર્સિટી સંલગ્ન સરકારી લો કોલેજમાંથી એલ.એલ.બીની ડિગ્રી
મેળવી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને
અરુણાચલ પ્રદેશની બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે પોતાની નોંધણી કરાવી કાયદાકીય ક્ષેત્રે
કારકિર્દી શરૂ કરી હતી.